અમદાવાદ : ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણીમાં આજે ઉનાળાની ગરમીના પ્રકોપ, થોડી નિરૂત્સાહતા અને છેલ્લા બે કલાકમાં ભારે ધસારા બાદ એકંદેર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. ગુજરાતમાં આજે સરેરાશ ૬૨.૪૮ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ ખાતે ૭૪.૦૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જયારે સૌથી ઓછુ મતદાન અમરેલી ખાતે ૫૩.૭૫ ટકા જેટલું નોંધાયું હતું. આ સાથે જ લોકસભાની ૨૬ બેઠકોના ૩૭૧ ઉમેદવારો અને વિધાનસભાની ચાર બેઠકોના ૪૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા. સમગ્ર મતદાન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં સ્વાભાવિક ઉત્તેજના અને ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો.
રાજ્યનાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટવાયાં હોવાની ઘટનાને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન સાથે લોકશાહીના મહાપર્વની પ્રક્રિયા સંપન્ન થઇ હતી. આજે રાજયમાં શહેરી વિસ્તારની સરખામણીએ રાજયના ગ્રામ્ય વિસ્તારમાં એકંદરે વધુ અને ઉત્સાહભર્યુ મતદાન જોવા મળ્યું હતું. જેને લઇ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પણ એક તબક્કે આશ્ચર્યમાં મૂકાયા હતા. ગરમીના પ્રકોપના કારણે બપોરના સમયે મતદાનની ગતિ ધીમી પડયા બાદ સાંજે ચાર વાગ્યા પછી ફરી એકવાર મતદાનમાં ભારે ધસારો જાવા મળ્યો હતો અને છેલ્લા બે કલાકમાં ઉંચુ મતદાન નોંધાયું હતું. સાંજે છ વાગ્યા સુધી રાજયભરમાં સરેરાશ ૬૩ ટકાથી વધુ મતદાન નોધાયું હતું. હવે તા.૨૩મીમે એ પરિણામો આવશે. આજના મતદાનની પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમ્યાન ઇવીએમ ખોટકાવા સહિતની જુદા જુદા પ્રકારની ૪૩ જેટલી ફરિયાદો નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ ફરિયાદો અમદાવાદ જિલ્લામાંથી ૧૧ આવી છે. કોંગ્રેસ વડાપ્રધાન મોદીના આજના રોડ શોને લઇ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી.
આજે વહેલી સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી. વડા પ્રધાન મોદીએ આજે સવારે રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરીને મહાન લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર થયા હોવાનું જણાવ્યું હતું. તો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનાં પત્ની અંજલી રૂપાણી સાથે રાજકોટના રૈય્યારોડ પરના મતદાન મથકે મતદાન કર્યું હતું. સૌથી ઓછું મતદાન જામનગર બેઠક પર અને સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે. કોંગ્રેસના મનહર પટેલે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર લોકસભા બેઠક પર ત્રણ પૂર્વ મુખ્યપ્રધાનોએ મતદાન કર્યું હતું. સૌરાષ્ટ્રમાં તળાજાના ધારડી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તો, ડાંગના દાવદહાડ અને ધુબડીયા ગામના મતદારોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
વલસાડના ધરમપુરમાં બોગસ મતદાન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કે અમદાવાદ જિલ્લામાં ૩ જગ્યાએ ઈવીએમ ખોટકાયાં હતાં, જ્યારે રાજ્યના વલસાડમાં ધોબી તળાવ, મહેસાણામાં બૂથ નંબર-૯૪ અને સંસ્કાર જ્યોતિ સ્કૂલ, વાઘોડિયા તાલુકાના સનોલી, પાટણના સાંતલપુરમાં, લુનીચાના, પ્રાંતિજના સલાલ, ધોળકા, રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં ૪ ઈવીએમ અને માતૃમંદિર શાળા, બારડોલીના માણેકપોરમાં, ગીર-સોમનાથના વાવડી, સાબરકાંઠાના તલોદમાં, નવસારીના બીજલપોરમાં, વલસાડના ફલધારામાં સવારથી ઈવીએમ ખોટકાતાં મતદાનમાં વિલંબ થયો હતો. વડોદરાના સાવલી, છોટાઉદેપુરમાં ૨ ઈવીએમ, રાધનપુરના દસ ગામ, નવસારીના ચોર્યાસી વિધાનસભા, સહિત મધ્ય ગુજરાતમાં પણ ૭ જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા ભાણવડમાં ૪૨ મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા મશીન બદલવાની ફરજ પડી હતી.
બનાસકાંઠામાં ઈવીએમ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સાયબર ક્રાઈમ સેલને જાણ કરવામાં આવી હતી. સુરતમાં ૭૬૯ મતદારો ઈવીએમ ખોટકાવાવાના કારણે અટવાયા હતા. અમદાવાદના ખોખરામાં આવેલી કે.કા. શાસ્ત્રી કોલેજના મતદાન મથક નંબર-૭ પર અધિકારીએ મતદાન રોકી રાખતાં મતદારોએ હોબાળો કર્યો હતો. લોકશાહીના મહાપર્વ તરીકે લેખાતી લોકસભા ચૂંટણીના આજના મતદાનના દિવસે સવારથી અમદાવાદીઓ ઉત્સાહમાં જણાયા હતા. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમ્યાન મતદારોએ મહદંશે પોતાની પ્રતિક્રિયાને જાહેરમાં વ્યક્ત કરવાનું ટાળી ભારે ઠાવકાઇ દાખવી હતી. પરંતુ મતદારોના અકળ મૌનથી રાજકીય પક્ષોમાં પણ દ્વિધાનું વાતાવરણ જોવા મળ્યું હતું. એક તબક્કે મતદાન નિરસ થશે તેવી ચર્ચા હતી, જા કે, છેલ્લા બે કલાકમાં ભારે ધસારા સાથે ઉંચુ મતદાન નોંધાયું હતું. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠક પરથી ભાજપના ઉમેદવાર ક્રમશઃ એચ.એસ.પટેલ અને ડો. કિરીટ સોલંકી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ક્રમશઃ ગીતાબહેન પટેલ અને રાજુ પરમાર સહિતના ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો કરવા અમદાવાદીઓ સવારથી ઉત્સવના મૂડમાં લાગતા હતા. ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ભાવિ નક્કી થવાનું હોઇ તેમના કોંગ્રેસના હરીફ સી.જે. ચાવડા સાથેની ટક્કર પણ લાંબા સમયથી ચર્ચાસ્પદ બની હોઇ આ બેઠક પરના મતદારો પણ સવારથી ઉત્સાહિત હતા.
આજના મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં એટલે કે સવારના સાત વાગ્યાથી સવારના ૧૦ વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર આ ત્રણેય બેઠકો પર સરેરાશ ૧૬ ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા ચૂંટણીપંચ દ્વારા અમદાવાદ જિલ્લામાં પ્રથમ બે કલાક દરમ્યાન થયેલા મતદાનના સત્તાવાર આંકડા મુજબ સવારના ૭ થી ૯ના સમયગાળામાં શહેર-જિલ્લામાં ૩.૧૦ લાખની વધુ પુરુષ અને ૧.૮૪ લાખથી વધુ સ્ત્રી મતદારો મળીને કુલ પ૪.૯પ લાખ મતદારો પૈકી ૪.૯પ લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. અમદાવાદ શહેર-જિલ્લામાં પ્રથમ બે કલાકમાં સરેરાર ૯.૦૧ ટકા મતદાન નોંધાયું હતું.દરમિયાન શહેરનાં મેયર બીજલબહેન પટેલે પાલડી ગામની શાળા નં. રર ખાતે મતદાન કર્યું હતું. વેજલપુર વિસ્તારની ઉમંગ હાઇસ્કૂલના મતદાન મથકમાં છેલ્લા દોઢ કલાકથી ઇવીએમ મશીન ખોટકાતાં મતદારોમાં રોષ ફેલાયો હતો.
ખોખરાના કે.કા. શાસ્ત્રી કોલેજના મતદાન મથકમાં પણ ઇવીએમ ખોટકાયું હતું, જોકે શહેરમાં ઇવીએમ ખોટકાયાની છૂટીછવાઇ ફરિયાદ નોંધાઇ છે. આ દરમિયાન ઘોડાસર કેનાલ પાસેના સ્મૃતિ મંદિર નજીકની આલોક, પુષ્પક અને નંદનવન સોસાયટીના મતદારોએ વાજતેગાજતે મતદાન કરવાનો લહાવો લીધો હતો. આ સાથે પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારો પર ગુલાબની પુષ્પવર્ષા પણ કરાઇ હતી, ખાસ કરીને પ્રથમ વખત વોટીંગ રાઇટનો ઉપયોગ કરી રહેલાં યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જણાયો હતો. મતદાન દરમ્યાન એકાદ બે જગ્યાએ છૂટીછવાઇ મારામારી અને બબાલની ઘટના નોંધાઇ હતી. એ સિવાય એકંદરે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.