ગુજરાતમાં ૫ વર્ષમાં ૫૫૫ સિંહના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સિંહ સુરક્ષિત હોવાના ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થયા
ગાંધીનગર
: સિંહોના રક્ષણના મામલે ગુજરાત સરકારના દાવાની પોલ ખૂલી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 555 સિંહોના મોત નિપજ્યા છે. તેવુ લોકસભામાં ગુજરાત સરકારે જવાબ આપ્યો છે. વર્ષ 2019 થી 2023 સુધીના ગાળામાં દર વર્ષે 100 જેટલા સિંહો મોતને ભેટે છે. પાંચ વર્ષ દરમિયાન સૌથી વધુ 2020 માં 124 સિંહોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે, રાજ્યમાં 2 વર્ષમાં 29 સિંહના અકુદરતી મૃત્યુ થયા છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જવાબ અપાયો કે, 31 ડિસેમ્બર 2023 ની સ્થિતિ સંદર્ભે બે વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહ, 294 દીપડા, 110 દીપડાના બચ્ચાના મોત નિપજ્યા છે. જે પૈકી 21 સિંહ, 8 બાળ સિંહ, 101 દીપડા અને 31 દીપડાના બચ્ચાના અકુદરતી મોત નિપજ્યા છે. 92 સિંહ, 118 બાળ સિંહ, 193 દીપડા, 79 દીપડાના બચ્ચાના કુદરતી મોત નિપજ્યા છે. દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે પગલા લીધા હોય તેવું આ આંકડા પરથી જરા પણ નથી લાગતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો વન પર્યાવરણ મંત્રી દ્વારા લેખિત જવાબ અપાયો છે. મહત્વનું છે કે ગુજરાતમાં 2023માં કેટલા સિંહ અને દીપડાના મોત થયા છે અને આ પૈકી કેટલાંના મૃત્યુ કુદરતી-અકુદરતી રીતે થયેલા છે તેવા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી સામે આવી છે. જે અનુસાર 2022માં 55 સિંહ અને 62 સિંહબાળના મોત થયા છે. જ્યારે 2023માં 58 સિંહ અને 64 બાળસિંહના મોત થયા છે.. એટલું જ નહીં 132 જેટલાં દીપડાના પણ અકુદરતી મૃત્યુ થયા છે. તો 29 જેટલાં સિંહના અકુદરતી મૃત્યુ થયા છે. ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના ગુજરાતના દાવા વચ્ચે આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથે જ વન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ, ટ્રેકર્સની નિમણૂક સહિતના દાવા પણ પોકળ સાબિત થયા છે.

Share This Article