અમદાવાદ: યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા એટલે કે સમ્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે તે વાતને યથાર્થ કરતા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
મહિલા દિવસની ઉજવણી કરતાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 5 મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ‘ઉર્જા એવોર્ડ્સ 2019‘થી સમ્માનિત કરવામાં આવી. આ એવી મહિલાઓ છે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ રીતે પોતાના સપનાઓ પુરા કર્યા છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2019થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવનાઓ અને જુસ્સાની ઉજવણીને બેવડી કરી રહ્યું છે. આ એ મહિલાઓ છે જે અન્યો માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય છે.
આ મહિલાઓની સફળતા તેઓની પ્રતિભા, યોગ્યતા, દેખાવ અને ક્ષમતાઓનો પરિચય આપે છે. તેઓએ અનેક પડકારોને ઝીલીને પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડ્યો છે.
આ પ્રસંગે વિ-હેલ્પ ફાઉન્ડેશન સહ-સંસ્થાપક કામિની મ્હાત્રેએ જણાવ્યું, “દરેક મહિલા આત્મવિશ્વાસથી પૂર્ણ હોવી જોઇએ, કારણ કે આત્મવિશ્વાસ સાથેની મહિલા પોતાની પ્રતિભાને બહાર લાવી શકે છે અને તે કોઇપણ સમસ્યાનો સામનો કરવા માટે સક્ષમ બને છે. વિશ્વ તમને પડકાર ફેંકશે જ પણ એ પડકારનો સામનો કરવાનો આત્મવિશ્વાસ આપણે જ કેળવવો પડશે. નિર્ભય રીતે અવાજ ઉઠાવો અને ત્યાં સુધી ઉઠાવો જ્યાં સુધી દુનિયા તેની નોંધ ન લે. દરેક મહિલાની અંદર આત્મવિશ્વાસનું તેજ રહેલુ જ છે, જરૂર છે તેને ચમકાવવાની અને તમે જોયેલા સપનાઓનો પીછો કરવાની.“
સમારંભના મુખ્ય અતિથિ તરીકે યુજીવીસીએલના એક્ઝેક્યુટિવ એન્જિનીયર મોનાબેન ઉપસ્થિત રહ્યાં હતા. અન્ય આમંત્રિત અતિથિઓમાં મમતાબેન શાહ તથા મીનલ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉર્જા એવોર્ડ્સ 2019થી સમ્માનિત મહિલાઓઃ
સંતોષદેવી ટિબ્રેવાલને તેઓના સામાજિક કાર્યો અને મહિલા ઉત્થાનના કાર્યો બદલ ‘ઉર્જા એવોર્ડ્સ 2019‘થી સમ્માનિત કરવામાં આવ્યા.
સોનલ પટેલને તેઓના સામાજિક કાર્યો અને મહિલા રોજગાર ક્ષેત્રે પ્રદાન બદલ, કુમારી પુનિતજીને વાસ્તુ તથા જ્યોતિષ ક્ષેત્રમાં પ્રદાન બદલ, પ્રિતી ધોળકિયાને જીવદયા કાર્યો, લેખન અને રાષ્ટ્રહિત જાગૃત્તિ – અભિયાન બદલ તથા મૉડલ રિયા સુબોધને ફેશન તથા મૉડલિંગ ક્ષેત્રે પ્રદાન બદલ ‘ઉર્જા એવોર્ડ્સ 2019‘થી સમ્માનિત કરવામાં આવ્યા.