કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 5 લોકો ગુંગળાઈ ગયા, બે વર્ષમાં શ્રમિકોના મોતનો ડરામણો આંકડો

Rudra
By Rudra 2 Min Read

કંડલા : ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોમાં હવે જાણે નવાઈ જ રહી નથી. કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા હતા. હવે કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે.

ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોમાં હવે જાણે નવાઈ જ રહી નથી. કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા હતા. હવે કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. આમ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં આ બીજી દુર્ઘટના બની છે. આ દુર્ઘટના કંપનીમાં મંગળવારે રાત્રિના સાડા બાર વાગે સર્જાઈ હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચ કર્મચારીઓના મોત થયાં છે. આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી. દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ છે. ગુજરાતમાં કામ કરાવતી કંપનીઓ કર્મચારીઓને ક્યાં તો પૂરતી તાલીમ આપતી નથી અથવા તો કર્મચારીઓની સલામતીઓને લગતા પાસાને લઈને અત્યંત બેદરકાર જોવા મળે છે. આંતરે દિવસે કંપનીઓની ઔદ્યોગિક દુર્ઘટના આવતી જોવા મળે છે. કંપનીઓ ખર્ચ નીચો રાખવાની લ્હાયમાં કામદારોની સલામતી પ્રત્યે આવો દુર્લક્ષ કેમ સેવે છે અને ઔદ્યોગિક સલામતીના નિયમોને કેમ ઘોળીને પી જાય છે તેનો જવાબ આ કંપનીઓએ આપવો રહ્યો.

ગુજરાત ઇન્ડસ્ટરી ફ્રેન્ડલી રાજ્ય છે એટલો એનો અર્થ એવો ન કરી શકાય કે કર્મચારીઓની સલામતી પ્રત્યે બેદરકાર રહેવાય. એકલા બાંધકામ ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષમાં 227 શ્રમિકો મોતને ભેટી ચૂક્યા છે. હવે તેની સાથે જો ઔદ્યોગિક અકસ્માતો ઉમેરવામાં આવે તો આ આંકડો ક્યાંય વધી જાય છે. એક કમાતા ધમાતા પુરુષનું મોત એટલે કે આખો પરિવાર છિન્નભિન્ન થવો. તે વ્યક્તિના માબાપથી લઈને પત્ની અને બાળકો બધા નોંધારા બની જાય છે. આ પ્રકારના કિસ્સામાં કંપની વ્યક્તિ દીઠ દસથી અગિયાર લાખનું વળતર આપીને પલ્લું ઝાડી લે તે ન ચાલે. મૃતકના કુટુંબની સામાજિક જવાબદારી પણ લેવી પડે. કુટુંબે એક મોભી ખોયો છે અને તે કુટુંબના અસ્તિત્વનો આધાર હતો. તેને કંઈ વન ટાઇમ સેટલમેન્ટમાં પૂરુ કરી ન દેવાય. મૃતકના કુટુંબ માટે કાયમી આવકનું પણ કંપનીએ વિચારવું જરૂરી છે.

Share This Article