ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ અવિરત કૃપા વરસાવી છે. આ સાથે જ ગુજરાતના ૨૬ જેટલા જળાશય પાણીથી ૧૦૦ ટકા ભરાઇ ગયા છે. ગુજરાતના ૩૭ જળાશય હાઇ એલર્ટ પર છે. તો ૧૩ જળાશયો એલર્ટ પર છે. તો ૧૫ જળાશય વોર્નિંગ પર છે. ગુજરાતના જળાશયોમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો કુલ સંગ્રહના ૫૨.૮૫ ટકા પાણી ભરાયેલુ છે. તો મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો ૨૯.૭૮ ટકા ભરાયા છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમ પાણીથી ૩૫.૫૭ ટકા ભરાયા છે. જેમાંથી એક ડેમ સંપૂર્ણ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. કચ્છના ૨૦ જળાશયો ૬૩.૭૦ ટકા ભરાઇ ગયા છે. જેમાંથી ૭ ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે.
સૌરાષ્ટ્ર ૧૪૧ જળાશયો ૫૭.૫૬ ટકા પાણીથી ભરાયા છે. જેમાંથી ૧૮ ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની વાત કરીએ તો તે તેની જળ ક્ષમતાના ૫૮.૦૮ ટકા ભરાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી કચ્છમાં સીઝનનો સૌથી વધુ ૧૧૨. ૭ ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં ૪૫.૨૪ ટકા વરસાદ ખાબક્યો છે. તો પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૦.૧૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૩.૧૪ ટકા, તો દક્ષિણ ગુજરાતમાં સીઝનનો ૩૨.૩૬ ટકા વરસાદ વરસી ગયો છે. આમ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૩.૭૭ ટકા વરસાદ વરસી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.