નવી દિલ્હી: ૩૪૮ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં વિલંબના પરિણામ સ્વરુપે ખર્ચ કરતા રકમમાં અનેકગણો વધારો થઇ ગયો છે. પ્રોજેક્ટોમાં વિલંબ અને અન્ય કારણોસર ખર્ચમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે. આ તમામ યોજના ૧૫૦ કરોડ રૂપિયા અથવા તો તેના ઉપરની યોજના છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૫૦ કરોડ રૂપિયા અથવા તો તેનાથી વધુ કિંમતના પ્રોજેક્ટ ઉપર નજર રાખનાર આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોનો ખર્ચ ત્રણ લાખ કરોડ રૂપિયા વધી ગયો છે. મે ૨૦૧૮ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુલ ૧૩૫૧ પ્રોજેક્ટના અમલીકરણનો કુલ વાસ્તતવિક ખર્ચ ૫૭૨૦૬૨.૦૨ કરોડ રૂપિયા હતો.
હવે આ પ્રોજેક્ટોનો ખર્ચ ૧૮૭૨૨૦૧.૫૧ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. આવી જ રીતે પ્રોજેક્ટના ખર્ચમાં ૩૦૦૧૩૫.૪૯ કરોડ રૂપિયા અથવા તો ૧૯.૦૯ ટકાનો વધારો થઇ ગયો છે. કુલ ૧૩૫૧ પ્રોજેક્ટોમાંથી ૩૪૮ યોજનાઓના ખર્ચમાં વધારો થયો છે જ્યારે ૨૬૩ પ્રોજેક્ટોના અમલીકરણના સમયમાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટ ઉપર મે ૨૦૧૮ સુધી ૭૪૭૩૦૨.૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે જે આ પ્રોજેક્ટોના અંદાજિત ખર્ચના ૩૯.૯૨ ટકાની આસપાસ છે. આ પ્રોજેક્ટોને પૂર્ણ કરવાની સમય અવધિને જાવામાં આવે તો વિલંબવાળા પ્રોજેક્ટોની સંખ્યા ઘટીને ૧૯૧ રહી જશે. આશરે ૬૫૦ પ્રોજેકટો ચાલુ થવાના સંદર્ભમાં કોઇ માહિતી આપવામાં આવી નથી. ૬૬ પ્રોજેક્ટોમાં એકથી ૧૨ મહિના, ૫૦માં ૧૩થી ૨૪ મહિના, ૭૧માં ૨૫થી ૬૦ મહિના, ૭૬માં ૬૧ અથવા તો તેનાથી વધારે મહિનાનો વિલંબ થયો છે.
ભૂમિ અધિગ્રહણમાં વિલંબ, પર્યાવરણની મંજુરી આડે ચડણો, સાધનોના પુરવઠામાં તકલીફ, નાણાની અછત, નક્સલવાદીઓની ઘુસણખોરી, કાયદાકીય મામલાઓ અને કાયદાકીય વ્યવસ્થાના પરિણામ સ્વરુપે વિલંબ થયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં વિલંબ થવાના લીધે ખર્ચમાં વધારો થયો છે. મોદી સરકારની સાથે સાથે સંબંધિત વિભાગની મુશ્કેલી પણ આના લીધે વધી શકે છે. પ્રોજેક્ટો ઉપર વધુ ખર્ચ કરવાના બદલે પ્રોજેક્ટોને સમયસર આગળ વધારવાથી ખર્ચને ઘટાડી શકાય છે. સાથે સાથે સ્થિતિને કાબૂમાં રાખી શકાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના ખર્ચમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો ખુબ જંગી વધારો ગણી શકાય છે. ૬૫૦ પ્રોજેક્ટો ચાલુ થવાના સંદર્ભમાં કોઇ માહિતી આપવામાં આવી નથી.