કચ્છમાં અદાણી સંચાલિત જી.કે. હોસ્પીટલમાં છેલ્લા ૧૭ દિવસમાં સુવિધાના અભાવે ૨૬ નવજાત શિશુના મોત નીપજતાં કોંગ્રેસ લઘુમતી મોરચાએ હોસ્પીટલમાં જઈને દેકારો મચાવ્યો હતો . આ મુદે સંચાલકો સમક્ષ ઉગ્ર રજુઆતો કરાતા અંતે ખુટતી સુવિધાનો મુદો સંચાલકોએ સ્વીકારવો પડયો હતો. જી.કે. જનરલમાં આખા કચ્છમાંથી દર્દીઓ આવે છે તેની સામે નવજાત શિશુની સારવાર માટે જયાં રાખવામાં આવે છે તે એનઆઈસીયુની (નવજાત બાળકો માટેના બેડ)ની સંખ્યા જ ઓછી છે છતાં સારી સારવારની ગુલબાંગો ફેંકતા સંચાલકો કે સરકારે આ મામલે કોઈ પગલા લીધા નથી.
સારવાર ન મળવાના કારણે તથા અસુવિધાના કારણે રોજ નવજાત શિશુ ટપોટપ મરી રહ્યા છે. ઘણીવાર તો પરિસ્થિતિ એટલી હદે વકરતી હોય છે કે બેડ ન હોવાથી ગરીબ વાલીઓને નવજાતને લઈને દર દર ભટકવું પડે છે પરિણામે અંતે મોત નિપજે છે અથવા ખાનગી દવાખાનામાં દાખલ કરે તો લાખોના બિલ કમર ભાંગી નાખે છે. આ ઉપરાંત કચ્છમાં થતા અકસ્માતોમાં ૫૦ ટકા મોત માથામાં લાગતી ગંભીર ઈજાના કારણે થાય છે જેના માટે ન્યુરોસર્જનથી વ્યવસ્થા પણ હોસ્પીટલમાં નથી. પરીણામે દદીને રાજકોટ કે અમદાવાદ લઈ જવામાં આવે તે પહેલા મોત નિપજે છે. ટ્રોમા સેન્ટર ચાલુ કરવાની વારંવાર રજુઆતો છતાં તે મામલે પણ સંચાલકો નિષ્ક્રીય છે. હજારો દર્દીઓન રોજ મફત દવા મળતી જોઈએ તેના બદલે બહારથી ખરીદવાની ફરજ પડાય છે , ઓપરેશનને લગતી સામગ્રીઓ બહારથી ખરીદવા ફરજ પડાય છે જેમા હાડકા વિભાગ દ્વારા તો રીતસરના ગરીબદર્દીઓને લુંટવામાં આવી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ સંચાલકો રેસીડેન્સ ડોકટર રાખવાના બદલે દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે, કોલેજના અભ્યાસ કરતા શિખાઉ ડોકટરો દ્વારા દર્દીઓની સારવાર કરાવાઈ રહી છે પરીણામે રોજ અનેક દર્દીઓ મોતને ભેટે છે. આ સમગ્ર મુદે આજે કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ રફીક મારા સહિતના જી.કે. જનરલ પહોંચીને જવાબદાર ડો.રાવનો ખુલાસો માંગ્યો હતો. જે મુદે થોડો સમય ગરમાગરમીના દશ્યો પણ સર્જાયા હતા.
જો કે બાદમાં પાણીમાં બેસી ગયેલા સંચાલકોએ સમગ્ર દોષનો ટોપલો સરકાર પર નાખતા જણાવ્યું હતું કે, ખુટતી સુવિધા મુદે અનેકવાર સરકારને રજુઆત છતાં સરકાર જ દાદ આપતી નથી. આ મુદે મારાએ જણાવ્યું હતું કે, એક સમયે ડો.રાવે હાથ ઉંચા કરી બધા દોષનો ટોપલો કચ્છ કલેકટર પર નાખવાની કોશિશ કરી હતી, અંતે સરકાર પણ ઢોળી હતી. ઉગ્ર રજુઆતો બાદ સારવારમાં કોઈ ફરીયાદ ઉભી ન થાય તેવી ખાત્રી ઉચ્ચારી હતી. બીજીતરફ કોંગ્રેસે જો નિયમોનું પાલન નહીં કરાય અને ગરીબના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરાશે તો કાયદેસરના પગલા ભરવાની ચીમકી આપી હતી.