Ahmedabad : શેમારૂમીની ગુજરાતી ઓરિજિનલ સિરીઝ ‘હજુ વાત ચાલે છે’ને વધુ રસપ્રદ બનાવવા માટે જાણીતા મેચમેકર સીમા તાપડિયા સાથે વિશેષ સહયોગ કરવામાં આવ્યો છે. આ પહેલમાં સીમા તાપડિયા સિરીઝની મુખ્ય પાત્ર શિવાની દવે માટે યોગ્ય જીવનસાથીની શોધમાં મેચમેકર તરીકે જોડાયાં છે.
સિરીઝમાં ગોઠવેલાં લગ્ન, પરિવારની અપેક્ષાઓ અને વ્યક્તિગત પસંદગીઓ વચ્ચે સંતુલન સાધતી શિવાનીની કહાની રજૂ કરવામાં આવી છે. સીમા તાપડિયા પોતાના મેચમેકિંગના અનુભવ દ્વારા યોગ્ય જીવનસાથીની પસંદગી, પરસ્પર સુસંગતતા અને સંબંધોમાં સમજણના મહત્ત્વને રજૂ કરશે.
સીમા તાપડિયા વર્ષ 2005થી મેચમેકિંગ ક્ષેત્રે કાર્યરત છે અને પોતાના શો દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે. તેમના જણાવ્યા અનુસાર, મેચમેકિંગ માત્ર બાયોડેટાની સરખામણી નથી, પરંતુ વ્યક્તિ, પરિવાર, મૂલ્યો અને અપેક્ષાઓને સમજવાની પ્રક્રિયા છે.
‘હજુ વાત ચાલે છે’ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને આધુનિક અંદાજમાં રજૂ કરતી ડ્રામેડી સિરીઝ છે. આ સિરીઝમાં લગ્ન માટેની મુલાકાતો અને યોગ્ય જીવનસાથીની શોધ દરમિયાન ઊભી થતી મજેદાર પરિસ્થિતિઓને દર્શાવવામાં આવી છે.
આ સિરીઝ હાલમાં શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે. તેનું હિન્દી વર્ઝન ‘એક કન્યા કુંવારી’ નામથી ઉપલબ્ધ છે.

