Ahmedabad : અમદાવાદના નારણપુરા સ્થિત નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દિવાળીના પર્વ નિમિત્તે ‘દીપોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટી સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દીપોત્સવના ભાગરૂપે શાળામાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી રંગોળી, દીવડા સજાવટ, તોરણ નિર્માણ અને હેન્ડમેડ ગ્રીટિંગ કાર્ડ બનાવવાની સ્પર્ધાઓમાં પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી હતી.
વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઉજવણીમાં જોડાયા હતા, જેના કારણે શાળાનું વાતાવરણ ઉત્સવમય બન્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને દિવાળી તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ પર્યાવરણની જાળવણી માટે ઇકો-ફ્રેન્ડલી, ફટાકડા મુક્ત અને પ્રદૂષણ મુક્ત દિવાળી ઉજવવાનો સંદેશ આપ્યો હતો.
શાળામાં યોજાયેલા આ દીપોત્સવે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સાંસ્કૃતિક પરંપરા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
