ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં બે દિવસીય ભારતીય શાસ્ત્રીય સંગીત કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર દરમિયાન સેક્ટર-22 સ્થિત વિદ્યા ભારતી ખાતે આ કાર્યશાળા યોજાઈ હતી.
કાર્યશાળામાં મેવાતી ઘરાનાના યુવા શાસ્ત્રીય ગાયક સમર્થ જાનવે દ્વારા સહભાગીઓને ભારતીય શાસ્ત્રીય સંગીતની વિવિધ બારીકીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પદ્મવિભૂષણ પંડિત જસરાજજીની સંગીત પરંપરામાં તાલીમ પામેલા સમર્થ જાનવેએ વોઇસ કલ્ચર, સ્વર સાધના, શ્વાસ નિયંત્રણ, તાનપુરા સાથે સૂર મિલાવવો અને નિયમિત રિયાઝ અંગે પ્રાયોગિક તાલીમ આપી હતી.
આ ઉપરાંત, સંગીતમાં ભાવ અને રાગમાં નવ રસોના સમન્વય અંગે પણ સમજ આપવામાં આવી હતી. કાર્યશાળાના પ્રથમ દિવસે રાગ બિહાગ, તોડી, ગુજરી તોડી અને શંકરાની બારીકીઓ શીખવવામાં આવી હતી.
કાર્યશાળામાં ગાંધીનગરના યુવા કલાકારોએ પણ પોતાની સંગીત પ્રતિભા રજૂ કરી હતી. કંદર્પ શુક્લાએ લોકસંગીત, ઋષિરાજ પરમારે રાગ આહીર ભૈરવ અને દુષ્યંતી બૈરાગીએ રાગ ભૈરવની પ્રસ્તુતિ કરી હતી. સમર્થ જાનવે કલાકારોને ગાયકીમાં વધુ નિખાર લાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યશાળાના પ્રારંભે ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુર જોષીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રીમતી પારૂલબેન મેહતા દ્વારા સંભાળવામાં આવી હતી.
ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન અને યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાના પ્રયાસરૂપે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
