‘લોકઅપ 2’માં રામ કપૂરે વારંવાર કિસ કરતા ભડકી શ્રેયા કાલરા, કહ્યું- ‘મારી પર્સનલ બાઉન્ડ્રીનું તો સન્માન કરો’

Rudra
3 Min Read

મુંબઈ: નેટફ્લિક્સના રિયાલિટી શો ‘લોકઅપ 2’ સતત ચર્ચામાં છે. શોમાં દરરોજ કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યો છે. હવે 52 વર્ષીય અભિનેતા રામ કપૂરની કિસ કરવાની હરકતને લઈને સ્પર્ધક શ્રેયા કાલરાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

ટાસ્ક જીત્યા બાદ રામ કપૂરે ખુશીમાં શ્રેયાના ગાલ અને કપાળ પર કિસ કરી હતી. આ ઘટનાથી નારાજ થયેલી શ્રેયાએ માત્ર રામ કપૂરને પોતાની વ્યક્તિગત મર્યાદા (પર્સનલ બાઉન્ડ્રી)નું ધ્યાન રાખવાની ચેતવણી જ આપી નથી, પરંતુ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.

‘લોકઅપ 2’માં સ્પર્ધકો વચ્ચેના સંબંધો દિવસેને દિવસે બદલાઈ રહ્યા છે. ખાસ કરીને શ્રેયા કાલરા અને રામ કપૂર વચ્ચેનું સમીકરણ સતત બદલાતું જોવા મળી રહ્યું છે. ગયા અઠવાડિયે બંનેએ સાથે મળીને એક ટાસ્ક રમ્યો હતો, જેમાં શ્રેયા કંટ્રોલરની ભૂમિકામાં હતી અને રામ કપૂર ડિપેન્ડન્ટ હતા. રામને એલિમિનેશનથી બચાવવા માટે શ્રેયાએ સંપૂર્ણ પ્રયાસ કર્યો અને ટાસ્ક જીતાડીને તેમને શોમાં સુરક્ષિત રાખ્યા.

ટાસ્ક જીત્યા બાદ ઉત્સાહમાં રામ કપૂરે શ્રેયાના ગાલ અને કપાળ પર કિસ કરી હતી. તે સમયે શ્રેયાએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ બાદમાં આ ઘટના શોની અંદર અને બહાર બંને જગ્યાએ વિવાદનું કારણ બની. તાજેતરના એપિસોડમાં શ્રેયાએ શિલ્પા શિંદે સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જ્યારે શિવાંગી ટાસ્ક કરી રહી હતી ત્યારે પણ રામ કપૂર તેમની ખૂબ નજીક આવી ગયા હતા અને હર્ષદે વચ્ચે આવીને તેમને દૂર કરવા પડ્યા હતા.

શ્રેયાના જણાવ્યા અનુસાર, બાદમાં હર્ષદે આ બાબતે માફી પણ માંગી હતી, પરંતુ તેમણે સવાલ કર્યો કે માફી માંગવાની જરૂર જ કેમ પડી? શ્રેયાએ રામ કપૂરના વર્તન પર સીધો સવાલ ઉઠાવતા કહ્યું કે તેમને પોતાની પર્સનલ બાઉન્ડ્રી સમજવી જોઈએ.

તેમણે કહ્યું કે, “મેં રામ માટે ત્રણ-ત્રણ ટાસ્ક જીતાડ્યા, પરંતુ જ્યારે મને તેમની જરૂર હતી ત્યારે તેમણે મારો સાથ આપ્યો નહીં. તેથી માત્ર સિનિયર છે એટલા માટે તેમનું દરેક વર્તન સહન કરવાનું કોઈ કારણ નથી.” શ્રેયાએ વધુમાં જણાવ્યું કે જો વીકએન્ડ દરમિયાન શોની હોસ્ટ ફરાહ ખાન આ મુદ્દે તેમની સાથે વાત કરશે તો તેઓ કોઈ સંકોચ વગર સમગ્ર ઘટના જણાવી દેશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, “સિનિયર હોવાના નામે કોઈપણ વ્યક્તિ કંઈ પણ કરે, તે હવે હું સહન નહીં કરું.”

શ્રેયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે જો રામ કપૂર ફરી તેમને કિસ કરવાનો પ્રયાસ કરશે તો તેઓ સીધું જ કહી દેશે, “ભાઈ, એટલી તો મારા પપ્પા પણ મને કિસ કરતા નથી, હવે ફરી આવું ન કરશો.”

આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ રામ કપૂરની ભારે ટીકા થઈ રહી છે. અનેક યુઝર્સનું કહેવું છે કે બે બાળકોના પિતા અને 52 વર્ષના અભિનેતા તરીકે રામ કપૂરે પોતાની મર્યાદા સમજવી જોઈએ અને નેશનલ ટેલિવિઝન પર જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે રામ કપૂરના વર્તન પર સવાલ ઉઠ્યા હોય. શોના પ્રીમિયર દરમિયાન પણ તેમણે સ્ટેજ પર એકતા કપૂરને કિસ કરી હતી, જે તે સમયે પણ ચર્ચાનો વિષય બન્યું હતું. હવે જોવાનું રહેશે કે આ સમગ્ર ‘કિસિંગ કન્ટ્રોવર્સી’ અંગે રામ કપૂર પોતાનો શું પક્ષ રજૂ કરે છે.

Share This Article