ઇસ્લામાબાદ : પુલવામા હુમલા અને ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરકાર વૈશ્વિક દબાણ અંતર્ગત આતંક વિરૂદ્ધ કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે જણાવ્યું કે, ૧૮૨ મદરેસાઓને નિયંત્રણમાં લેવામાં આવી છે. આ ઉપરાંત ૧૨૧થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો પ્રતિબંધિત સંગઠનોથી સંબંધ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ બસ સ્ટેન્ડ પર ગુરુવારે બપોરે જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ હુમલામાં ૩૨ લોકો ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જેમાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું. સુરક્ષા જવાનોએ વિસ્તારની નાકાબંધી કરીને શોધખોળ અભિયાન શરૂ કરી દીધું હતું.
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું હતું કે, સુરક્ષા દળોએ ગ્રેનેડ ઝીંકનાર શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે સ્વીકારી હતી. ત્યારબાદ ભારતે દુનિયાના દેશોથી પાકિસ્તાનને અલગ કરવાની રણનીતિ પર દબાણ આપ્યું હતું. અમેરિકા, ફ્રાંસ, ઇઝરાયેલ અને બ્રિટન જેવા મુખ્ય દેશોએ પુલવામા હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોને જવાબદાર ઠરાવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ ભારત દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમા ત્રાસવાદી અડ્ડાઓને હવાઇ હુમલા કરીને ફુંકી મારવામા આવ્યા બાદ પાકિસ્તાનની નાપાક હરકત સરહદ પર જારી રહી છે. આ હુમલામાં જેમનું મોત નિપજ્યું છે તેમનું નામ મોહમ્મદ શારિક કહેવાય છે અને તેઓ ઉત્તરાખંડના રહીશ હતાં.