વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરીબોને ૧૫ હજાર ચંપલનું વિતરણ કરાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉનાળાની ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણના પગ દઝાય નહીં તેમજ તેઓ તેનાથી બચી શકે તે માટે નાસિકના પુરાણી જ્ઞાનજીવનદાસ સ્વામીની પ્રેરણાથી તપોવન બ્રહ્મચર્ય આશ્રમના યજમાન પદે વડતાલ મંદિર દ્વારા ૧૫ હજારથી વધુ ચપ્પલ વિતરણનો કાર્યક્રમ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીના અધ્યક્ષ પદે યોજાયો હતો.

વડતાલ મંદિરના સ્વયંસેવકોની ૩૮ ટીમો દ્વારા ચરોતરના બંને વિસ્તારના ગરીબ પરિવારોના વૃદ્ધો તથા બાળકોને સ્થળ પર ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હોવાનું કોઠારી ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું. વડતાલમાં દર માસના પ્રથમ યોજાતી રવિ સભામાં વચનામૃત કથાને કેન્દ્રમાં રાખીને રવિ સભા અંતર્ગત વિવિધ સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે. જેમાં શિયાળામાં ધાબળા વિતરણ હોય, ચંપલ વિતરણ હોય, વૃદ્ધાશ્રમોમાં ફ્રૂટ વિતરણ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ જેવી સેવાઓ કરવામાં આવે છે.

આ ૬૪મી રવિ સભા અંતર્ગત રવિ સભામાં દરીદ્ર નારાયણો તથા જરૂરિયાત મંદોને ચપ્પલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. દાસના દાસ બની સેવા કરીએ તો સેવામાં સુગંધ ભળે. ચપ્પલ વિતરણ કરવા જાવ છો તે પણ એક પ્રકારની ભક્તિ છે. સ્વયંસેવક એ વડતાલનો પ્રતિનિધિ છે, જેટલી નાની સેવા એટલા મહારાજ વધુ રાજી.

ડો. સંતસ્વામીએ સ્વયંસેવકોને જણાવ્યું હતું કે ભગવાન શ્રીહરિના સર્વજીવ હિતાવહ સંદેશ મુજબ સૌનું હિત કરવાની સેવા કરીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો એમની આજ્ઞામાં રહી સંદેશને મૂર્તિમંત કરવો. ચરોતરના ૪૦૦થી વધુ ગામોમાં મંદિરના સ્વયંસેવકોએ પહોંચી જરૂરિયાત મંદ લોકોને ચપ્પલ વિતરણ કર્યું હતું, જેની વ્યવસ્થા સંસ્થાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી.વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ગરમીમાં જરૂરિયાતમંદ લોકોને ૧૫ હજારથી વધુ ચપ્પલ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે.

ચરોતરના ૪૦૦થી વધુ ગામડાઓમાં સ્વયંસેવકોએ દરિદ્રનારાયણને ચંપલ પહેરાવાની સેવા કરી છે.

Share This Article