અમદાવાદ : કલાગુરુ શ્રી ક્રિનલબેન કોઠારીના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ લઈ રહેલી અમદાવાદની 13 વર્ષની યુવા નૃત્યાંગના જાનકી અનિરુદ્ધકુમાર દવેએ સુરત ખાતે તા. 2 જાન્યુઆરી, 2026ના રોજ આયોજિત ગુજરાત રાજ્યકક્ષાનો કલા મહાકુંભ 2025માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. તેમણે પોતાની શ્રેષ્ઠ કૃતિ “વર્ણમ” રજૂ કરી ભરતનાટ્યમ નૃત્યની જુનિયર કેટેગરીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જાનકી દવેએ આ અગાઉ સાણંદ તાલુકા, અમદાવાદ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન તેમજ ભચાઉ ખાતે યોજાયેલ ઝોન લેવલ માં બીજુ સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પ્રવેશ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ઉપરાંત, સોમનાથ મહોત્સવમાં સોલો પર્ફોર્મન્સમાં દ્વિતીય સ્થાન તેમજ ગ્રુપ પર્ફોર્મન્સમાં પ્રથમ સ્થાન મેળવી કલા જગતમાં પ્રશંસા મેળવી છે. વડોદરા ખાતે યોજાયેલા સામવેદ કલા મહોત્સવમાં પણ તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે જાનકી દવેએ ગત વર્ષ જાન્યુઆરી માસમાં પોતાનું આરંગેત્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું અને હાલ તે ભરતનાટ્યમ નૃત્યમાં વિશારદ અભ્યાસક્રમ અંતર્ગત ઉચ્ચ અભ્યાસ કરી રહી છે.જાનકી દવેની આ સિદ્ધિએ તેમના પરિવારજનો, ગુરુજનો તેમજ કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌમાં ગૌરવ અને આનંદની લાગણી જગાવી છે. તેમની આ સફળતા ભાવિ કલા સાધનાના માર્ગે પ્રેરણાદાયક બની રહેશે.






