અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ર૦૧૯માં યોજાનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાનાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેની મુદતમાં દસ દિવસનો વધારો કરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. બોર્ડ પરીક્ષાનાં ફોર્મ શાળાઓમાં ઓનલાઇન ભરવાનાં હોય છે. ધોરણ ૧રનાં ફોર્મ ભરવાની મુદત નવેમ્બર માસના અંતમાં પૂરી થાય છે.
જ્યારે ધોરણ ૧૦ના પરીક્ષાફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧ ડિસેમ્બર છે, જેની મુદત વધીને હવે ૧૦ થી ૧પ ડિસેમ્બર અને જાન્યુઆરી, ર૦૧૯ સુધીની થશે. આ વર્ષે પરીક્ષાનાં ફોર્મ ભરાવવાનું ૧પ દિવસ માડું શરૂ કરાયું છે. પહેલાં નવરાત્રી વેકેશન અને હવે હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન ૧૮ નવેમ્બરે પૂરું થશે. માટે વિદ્યાર્થીઓ વિના અત્યારે ફોર્મ ભરવાં અશક્ય છે. તેથી નાછૂટકે અત્યારે વેકેશનના સમયમાં ફોર્મ ભરવાની કાર્યવાહી સ્થગિત થઇ છે. ધોરણ-૧રના વિદ્યાર્થીઓ માટે વેકેશન પૂરું થયા પછી ફોર્મ ભરવા માટે માત્ર ૧થી ૪ દિવસનો સમયગાળો રહેશે.
આ સંજોગોનાં ધોરણ-૧૦ અને ૧ર બંને પરીક્ષાનાં આવેદનપત્રો ભરવા માટેની મુદતમાં ૧૦ દિવસનો વધારો કરાશે. ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનાં ફોર્મ ભરાવવાની કાર્યવાહી રર ઓક્ટોબરથી શરૂ થઇ છે. તેની છેલ્લી તારીખ ર૦ નવેમ્બર છે. ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં ફોર્મ રપ ઓક્ટોબરથી ભરાવવાનાં ચાલુ કરાયાં છે, જેની છેલ્લી તારીખ ર૩ નવેમ્બર છે તેમજ ધોરણ-૧૦ની ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ર નવેમ્બરથી શરૂ થઇ છે, જેની અંતિમ મુદત ૧ ડિસેમ્બર છે. આ સંજોગોમાં પરીક્ષાનાં ફોર્મ ભરાવવાની મુદતમાં તાત્કાલિક દસ દિવસનો વધારો કરવામાં આવે તેવી પૂરી શકયતા છે.