અન્ય રાજ્યોમાં વસતા બિનનિવાસી ગુજરાતીઓ રાજ્યની સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસો, અસ્મિતા અને વતન પ્રત્યે પ્રેમ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવ્યો છે. બિનનિવાસી ગુજરાતીઓની યુવા પેઢી માટે ૧૦ દિવસની ગુજરાત પરિભ્રમણ યોજના કાર્યાન્વિત કરી છે. જેના થકી યુવાપેઢીનો વતન પ્રેમ વધુ બળવતર બનશે તેમ બિનનિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓની યુવા પેઢીને પોતાના મૂળ વતન સાથે જોડી રાખવા અને રાજ્યની સંસ્કૃતિ, અસ્મિતા અને પરંપરાની જાણકારી માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને યુવાઓ માટે આ ગુજરાત પરિભ્રમણ યોજના વર્ષ ૨૦૧૮-૧૯ થી અમલમાં મૂકવા નીતિ જાહેર કરી છે. અન્ય રાજ્યોની બિન-નિવાસી ગુજરાતીઓની યુવા પેઢી પોતાના વતન સાથે સતત સંપર્કમાં રહે તે માટે ગુજરાત પરિભ્રમણ યોજના જાહેર કરી છે.
આ યોજના અંતર્ગત અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓની યુવા પેઢી રાજ્યની ૧૦ દિવસની મુલાકાત લઇ રાજ્યની સંસ્કૃતિ, ઔદ્યોગિક પ્રગતિ, મહત્વની યોજનાઓ, શિક્ષણ-ઊર્જા, પ્રવાસન અને ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે સાથે સાથે રાજ્યની ભાષા, હાથ વણાટ, રસોઇકળા અંગે પણ જાણકારી મેળવશે. પ્રવાસ દરમિયાન રાજ્યના મહાનુભાવો અને શિક્ષણ અને સાંસ્કૃતિકક્ષેત્રના વિદ્વાનો સાથે મુલાકાત કરશે. આ પ્રકારની અલગ અલગ રાજયોની ૨૫ યુવાઓની બે બેચ દર વર્ષે રાજ્યની મુલાકાત લઇ પોતાના મૂળ વતન સાથે જોડાશે. આ યોજના જાહેર કરવા પાછળનો રાજ્ય સરકારનો હેતુ યુવા પેઢીને પોતાના વતન સાથેનો નાતો વધુ સુદ્દઢ બનાવવાનો છે. આ અંગે જે તે યુવાઓની બેચ રાજ્યમાં આવે ત્યારબાદની પરિવાહન, રહેવા-જમવા, સ્થળ મુલાકાત જેવી સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે.
ગુજરાત પરિભ્રમણ યોજનાનો મુખ્ય હેતુ બિનનિવાસી ગુજરાતીઓની યુવાપેઢીઓને રાજ્ય સાથે જીવંત સંપર્ક પ્રસ્થાપિત કરીને રાજ્ય સાથે જોડવાનો છે. ગુજરાતની વિસરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસ, ભૌગોલિક વિશેષતાનો રસભર પરિચય કરાવીને માતૃભૂમિ અને અસ્મિતા સાથે વધુ ગાઢ સંબંધ પ્રસ્થાપિત કરાશે. સાથે સાથે રાજ્યની વિકાસયાત્રાની વિવિધ યોજનાઓના પાસાઓથી માહિતગાર પણ કરાશે.
આ ઉપરાંત રાજ્યના મહત્વના પ્રોજેક્ટો, ઔદ્યોગિક એકમોની સ્થળ મુલાકાત, પ્રતિષ્ઠિત શાળા-કોલેજ-યુનિવર્સિટી પ્રતિષ્ઠાનો, વેપારી મંડળો સાથે વાર્તાલાપ સહિત ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત થકી માહિતી પુરી પડાશે. તેમજ ગુજરાતી ભાષા, યોગ, હાથ વણાટ, નૃત્ય, રસોઇ કલાના વર્કશોપ થકી માર્ગદર્શન પુરૂ પડાશે.
આ પરિભ્રમણ કાર્યક્રમ માટે ૧૮ થી ૨૬ વર્ષની આયુ ધરાવતા ૫૦ બિનનિવાસી યુવાનોની ૨૫-૨૫ના બે ગ્રુપ વર્ષમાં ગુજરાત આવશે. જેમાં પસંદગી જે તે રાજ્યના રજીસ્ટર્ડ ગુજરાતી સમાજના પરામર્શથી કરાશે. દસ દિવસના આ કાર્યક્રમમાં આઠ દિવસ ગુજરાત પરિભ્રમણ અને મુલાકાત તથા બે દિવસીય વર્કશોપ યોજાશે. વર્કશોપ બાદ સ્પર્ધાનું આયોજન કરીને વિજેતાઓને પ્રમાણપત્ર ઇનામો આપીને પ્રતિભાવ-સૂચનો પણ લેવાશે. સંબંધિત રાજ્યોમાંથી ગુજરાત (અમદાવાદ) આવવા તથા પરત જવાનું પરિવહન ખર્ચ જેતે વ્યક્તિ/ગ્રુપનું રહેશે. અહીં આવ્યા બાદ તમામ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાશે, તેમ પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.