અમદાવાદ ; રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા રાજયના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદી માહોલ સર્જાયો હતો. મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઠંડી બાદ અચાનક માવઠાનો માહોલ સર્જાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. આજે બપોરથી અમદાવાદ શહેર સહિત રાજયના વાતાવરણમાં અચનાક પલટો જોવા મળ્યો હતો. રાજકોટના મોરબી માળિયા વચ્ચે ભારે વાવાઝોડા વચ્ચે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.
જો હજુ પણ વરસાદ આવશે તો જીરૂના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે. જ્યારે આવતીકાલે ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે. ગુજરાત સહિત રાજ્યભરમાં હવામાન પલટાની અસર જોવા મળી હતી. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં આકાશમાં વાદળછાયુ વાતાવરણ જાવા મળ્યું હતું.
રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવતાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી અને પવન સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સુસવાટા મારતા પવન સાથે આંધી ચાલી હતી. ભારે પવન અને આંધીના કારણે લો વિઝિબીલિટી જોવા મળી હતી. તો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાના સમાચાર છે. કચ્છ, અરવલ્લી અને સાબરકાંઠાના વાતાવરણમાં પલટો નોંધાયો હતો. ધૂળની ડમરીઓ સાથે ઠેરઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા. મંગળવારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અચાનક જ વાદળછાયું વાતાવરણ સર્જાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.
જો માવઠું વધુ થાય તો જીરું, વરિયાળી, બટાટા સહિતના પાકોને નુકસાન થવાની દહેશત ખેડૂતોને સતાવી રહી છે. ઉત્તર ગુજરાતમાં ઠંડીના માહોલ બાદ બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું, જો કે, મંગળવારે સવારથી જ આકાશમાં વાદળો છવાયેલાં રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક પાક હવે લણવાની સ્થિતિમાં છે તેવામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હોઈ નુકસાન થવાની સંભાવનાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. હવામાનખાતાની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઠંડીનું જાર વધશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૦.૫ અને લઘુત્તમ તાપમાન ૧૮.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં પારો ૧૮.૪ ડિગ્રી રહ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં આજે વાતાવરણમાં પલટા વચ્ચે અમદાવાદમાં ધુળભરેલી આંધી ચાલી હતી.