સરદાર પટેલના નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિના યોજાયેલ કાર્યક્રમ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  શહેરના લો ગાર્ડન વિસ્તારમાં જીએલએસ કેમ્પસમાં આવેલી ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં આજે સરદાર પટેલના નિર્વાણ દિને શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ, કોલેજના પ્રોફેસરો અને સ્ટાફ કર્મચારીઓ સહિત સૌકોઇએ સરદાર પટેલના ઇતિહાસને વાગોળવાની સાથે તેમના ઐતિહાસિક અને મહાન કાર્યોને યાદ કરી તેમને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી તથા દિર્ગ દ્રષ્ટિ વાળા હતા.

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે ઉત્તમ કામગીરી બજાવી હતી જેમાં મુખ્ય કાર્ય ભારતના વિવિધ રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. સરદાર પટેલે ગુજરાત પ્રાંતમાં શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓ સ્થાપીને ઘણી મોટી સેવા કરી છે. અમદાવાદ કોર્પોરેશન તથા વિવિધ જાહેર સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહીને માનવસેવા કરી છે. આજના યુવાનોએ સરદાર પટેલના સંઘર્ષમય જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ જેથી તેઓનો સર્વાંગી વિકાસ થઇ શકે. ૨૧મી સદીના યુવાનોમાં પુરષાર્થ તથા ધીરજનો અભાવ જોવા મળે છે જેનું મુખ્ય કારણ આજની શિક્ષણ પ્રથા પણ છે.

ખુબજ ધીકતી વકીલાત છોડીને સરદાર પટેલે દેશને આઝાદ કરવામાં પોતાનું જીવન અર્પી દીધું તથા મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને સ્વતંત્રતા ચળવળમાં જોડાઈ સંઘર્ષમય જીવન જીવી દેશની મોટી સેવા કરી હતી. આવા કર્મઠ સ્વાતંત્ર સેનાનીને દરેક ભારતીયે યાદ કરવા જોઈએ. કોલેજના વિદ્યાર્થીઓએ સરદાર પટેલને શ્રધ્ધાંજલી આપી હતી.

Share This Article