અમદાવાદ : રાજ્યમાં વધી રહેલી બેરોજગારી વચ્ચે ભરવાડ સમાજ દ્વારા તેમના સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનો અને જીવનમાં તેઓને એક નવી દિશા આપવાનો નવતર અને અનોખો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેરમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા સમાજના ૩૦૦ યુવાનોને જીવનમાં રોજગારી સાથે પ્રગતિ કરવાની શુભેચ્છા સાથે ૩૦૦ જેટલી મહિન્દ્રા બોલેરો અને મારૂતિ ઇકો ગાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સૌથી નોંધનીય વાત એ છે કે, ભરવાડ યુવા સંગઠન દ્વારા સમાજના યુવકોને કોઈપણ પ્રકારનું ડાઉન પેમેન્ટ ભર્યા વિના ૩૦૦ બોલેરો પીક-અપ વાન અને મારૂતિ ઇકો કારનું વિતરણ કર્યું હતું એમ ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ ભરતભાઇ ભરવાડ અને પ્રવકતા રણછોડભાઇ ભરવાડે જણાવ્યું હતું. આ પ્રસંગે ઘેટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન અને ભરવાડ સમાજના લોકપ્રિય આગેવાન ભવાન ભરવાડ અને પૂજય રામબાપુ, કેહુબાપુ સહિતના સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે ભરવાડ સમાજના યુવાનોને ભરવાડ યુવા સંગઠન તરફથી તેઓને વિતરણ કરાયેલી ૩૦૦ બોલેરો અને ઇકો કારનો યોગ્ય સદુપયોગ કરી તેના મારફતે રોજગારી મેળવી જીવનમાં પ્રગતિ અને વિકાસની હરણફાળ ભરવા અનુરોધ કર્યો હતો અને સમાજમાં પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવા હાકલ કરી હતી. ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ ભરતભાઇ મેર, પ્રવકતા રણછોડભાઇ ભરવાડ અને ઉપપ્રમુખ મેહુલ ભરવાડે વધુમાં જણાવ્યું હતું કે, ભરવાડ સમાજમાં હજુ પણ લોકો ખાસ કરીને યુવાનો અશિક્ષિત, બેરોજગાર અને જીવનની સાચી દિશાથી વિમુખ છે ત્યારે તેઓને જીવનમાં શિક્ષણ, રોજગારી અને સાચી દિશાના પંથે વાળવાના હકારાત્મક અને કંઇક અનોખા અભિગમ સાથે ભરવાડ યુવા સંગઠને આ બીડુ ઝડપ્યુ છે અને તેના ભાગરૂપે આજે ભરવાડ સમાજના બેરોજગાર એવા ૩૦૦ જેટલા યુવાનોને કોઇપણ પ્રકારના ડાઉનપેમેન્ટ વિના ૩૦૦ જેટલી મહિન્દ્રા બોલેરો અને મારૂતિ ઇકો ગાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોજગારીની સાથે સાથે ભરવાડ યુવા સંગઠન સમાજમાં શિક્ષણ, આરોગ્ય વિષયક સેવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, સમાજમાંથી ખોટી અંધશ્રદ્ધા-વળગાડ દૂર કરવા સહિતની અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે. ભરવાડ સમાજના યુવાનો માટે રોજગાર યોજના અમલમાં મુકી ૩૦૦ યુવાનોને રોજગારી આપવા માટે કોઈપણ પ્રકારનું ડાઉન પેમેન્ટ ભર્યા વિના ૧૩ હજાર રૂપિયાના ૬૦ માસિક હપ્તે આ ગાડીઓ આપવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત સેંકડો લાભાર્થીઓ અને તેમના પરિજનોની આંખમાં હર્ષાશ્રુ પણ આવી ગયા હતા. તેઓએ ભરવાડ યુવા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.