મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે, ત્યારે ગુજરાતના ભાવિ ખેલાડીઓને મેદાનમાં ઉતારવા અને તેમની શક્તિઓને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા માટે ગાંધીનગર સ્થિત ‘ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી’ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે આગામી તા. ૯ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ સીઝન ૪.૦’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માટે રાજ્યભરમાંથી ૪,૫૦૦થી વધુ બાળ ખેલાડીઓએ ઉત્સાહભેર નોંધણી કરાવી છે.

આ એથ્લેટિક્સ મીટ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ રાજ્યની છુપાયેલી પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનું એક અભિયાન છે. આ આયોજનમાં કુલ ૧૧ વિવિધ રમતો રમાશે, જેમાં વિજેતા બનનાર ૧,૦૫૬ બાળકોને કુલ રૂ. ૨૨ લાખની પ્રોત્સાહક ઇનામ એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત વિજેતા બાળકોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત ‘ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS)માં પ્રવેશ મેળવવાની સીધી તક મળશે, જે તેમની ખેલકૂદની કારકિર્દી માટે ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનાર આ સ્પર્ધામાં અંડર-૯ અને અંડર-૧૧ એમ બે વયજૂથમાં કુમાર અને કન્યાઓની અલગ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં ૬૦ મીટર, ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડ સહિત હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો જેવી ૧૧ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.

રમતગમત એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ બાળકના માનસિક વિકાસ અને ચારિત્ર્ય ઘડતરનું માધ્યમ છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે રમતગમતના કૌશલ્યો વિકસાવવાથી બાળકો શારીરિક રીતે સક્ષમ અને માનસિક રીતે વધુ મજબૂત બનશે.

Share This Article