નાગરિકોની સેવા- સુરક્ષા કરવીએ પોલીસ વિભાગનું મુખ્ય ધ્યેય રહ્યું છે. રાજ્યમાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને અને મહિલાઓ વધુ સુરક્ષિત થાય તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવીને અનેકવિધ નવા પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ સાથે પોલીસ વિભાગના તમામ સભ્યો પોલીસ મિત્ર બનીને પોલીસ વિભાગની છાપને પ્રતિકૂળ અસર ન થાય તેવો સૌજન્ય પૂર્ણ વ્યવહાર કરે તે માટે સંવેદનશીલ અભિગમ દાખવીને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે માટે મહિલાઓની માન-હાનિ ન થાય અને તેમનું સ્વમાન જળવાઇ રહે તે માટે ભાષા પ્રયોગ વિનમ્રતાથી થાય તે આશયથી અલાયદું મોડલ બનાવીને તમામ અધિકારી – કર્મચારીઓને તાલીમ અપાશે. – તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે મહિલાઓની સુરક્ષા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રાજ્ય સરકાર દ્વારા ‘‘અભયમ’’ મહિલા હેલ્પલાઇન ૧૮૧ કાર્યરત છે તેને વધુ સુદ્રઢ બનાવી મહિલાઓને વધુ જાગૃત કરવા સહીયારા પ્રયાસો હાથ ધરાશે. ‘‘અભયમ’’ હેલ્પલાઇન દ્વારા મળતી માહિતીને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડી તેઓ આ સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સ્થાનિક કક્ષાએ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત શહેર- જિલ્લામાં કાર્યરત મહિલા સુરક્ષા સમિતિ દ્વારા મહિલાઓને તેમના હક અને કાયદાની જોગવાઇથી વાકેફ કરવા માટેના પ્રયાસો હાથ ધરાશે.
આ માટે પોલીસ વિભાગના તમામ અધિકારી- કર્મચારીઓને સૂચનાઓ પણ આપી દેવાઇ છે. પોલીસ કર્મચારી સ્વ થી આગળ નાગરિકોના હિત અને તેમની સુરક્ષાને આગળ રાખીને ફરજો અદા કરવાની થાય છે, જેથી તમામ સ્ટાફ ફરજ પર વિનમ્રતાથી વર્તે તે જરૂરી છે. નાગરિકોનો વિશ્વાસ પોલીસ તંત્ર પર બની રહે તે માટે સૌપ્રથમ સૌજન્યપૂર્ણ વ્યવહાર અત્યંત અનિવાર્ય છે. વાણીમાં વિનમ્રતા અને વર્તનમાં સન્માનની ભાવના રાખ્યા વગર પોલીસ કર્મીએ આદર્શ સભ્ય બનવું શક્ય ન હોઇ, તમામ કર્મીઓને આ માટે સજાગ બનીને યોગ્ય ભાષા-વર્તન રાખવું અનિવાર્ય રહેશે.
પોતાના અંગત હિત અને લાગણી કરતા પોલીસ તરીકેની ફરજો મહત્વની છે. તે અંગે ઉચ્ચ અધિકારીઓ તમામ કર્મચારીઓને રોજબરોજના રોલ-કોલ અને ખેર સલ્લા દરમ્યાન સમજાવશે અને આ પ્રમાણેના મૂલ્યો કેળવવા માર્ગદર્શન-પ્રોત્સાહન પૂરૂ પાડશે સાથે સાથે ઉપરી અધિકારીઓ અવાર-નવાર તેમના તાબા હેઠળ પોલીસ સ્ટેશનમાં આવો વ્યવહાર થાય છે કે નહિ તેની ચકાસણી કરવાની રહેશે તેમજ પોલીસ સ્ટેશનની વિઝીટ દરમ્યાન કર્મચારીઓને સતત માર્ગદર્શન પણ આપવાનું રહેશે. આ અંગે વિપરીત બાબત-ઘટના સામે આવે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે. જે કર્મચારીઓ કે અધિકારીઓ આ પ્રમાણેનો વ્યવહાર કરતા ન હોવાનું ધ્યાને આવે તો તેમના વાર્ષિક ખાનગી અહેવાલમાં વિપરીત નોંધ અવશ્ય કરવાની રહેશે.