શાસ્ત્રો અને વિજ્ઞાન બંને કહે છે કે હાથના પંજા અને પગના પંજામાં સૌથી વધુ ઉર્જા હોય છે. જયારે બે હાથ જોડાય છે ત્યારે એનર્જી સર્કલ પૂર્ણ થાય છે જેથી ઉર્જા વેડફાતી બચે છે અને ફરી તેનો આપણા શરીરમાં સંચાર થાય છે જેથી નવરા સમયમાં બેસો ત્યારે બે હાથ જોડેલા રાખવા ઉત્તમ છે. દુનિયાના લગભગ બધા જ ધર્મોએ નમસ્કાર કે નમનને સ્વીકારેલા છે કેમ કે નમન કરવાથી વ્યક્તિનો અહંકાર નમે છે જેનાથી આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર બદલાય છે અને પાપ કરવાનું અશક્ય બને છે.આપણે ત્યાં વડીલો અને ગુરુને નમન કરી આશિર્વાદ લેવાની પ્રથા છે જે પણ વૈજ્ઞાનિક છે. સાત્વિક સ્વભાવ, દ્રઢ સંકલ્પવાળા, સર્વના કલ્યાણની ભાવના ધરાવનાર મનુષ્યના હાથમાં સૌથી વધુ ઉર્જા નીકળે છે જેનો લાભ લેવા આપણે ત્યાં નમનની વ્યવસ્થા છે.
સ્પર્શમાત્રથી ઘણા ઋષીઓ રોગ દૂર કરતા હતા જેનું વિજ્ઞાન જાપાને ‘રેકી’ દ્વારા સાબિત કર્યું છે. એક્યુપ્રેસરના નિયમ અનુસાર શરીરને નવચેતના આપતા તમામ બટનો હાથની હથેળી અને પગના તળિયામાં આવેલા છે. આ બટન દબાવતા જ શક્તિસંચાર શરુ થાય છે. અમેરિકામાં વૈજ્ઞાનિક પરિક્ષણ દ્વારા સાબિત થયું છે કે પ્રાર્થના સાથે ઈલાજ કરાવતા દર્દીઓ વધુ ઝડપથી સાજા થયા છે. આપણા હાથની પાંચ આંગળીયો પંચમહાભૂત સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.અંગુઠો અગ્નિતત્વ, તર્જની આકાશતત્વ, મોટી આંગળી વાયુતત્વ,અનામિકા જળતત્વ અને ટચલી પૃથ્વીતત્વ. આમ પંચ મહાભૂતોમાંથી બનેલા શરીરની રાજધાની તમારા હાથમાં છે. એટલા માટે હંમેશા હાથથી જ ખાવું જોઈએ કેમ કે હાથની તમામ ઊર્જા અને પંચતત્વો અન્નમાં ભળી જઈ એકએક કોળિયાને ગુણવાન બનાવે છે જો કોઈ ઉણપ આપણા શરીરમાં હોય તે આ રીતે ખાવાથી દૂર થાય છે. હાથમાં જે પ્રાણતત્વ છે તે ચમચીમાં નથી.
~ Shilpa Shah