સાઉથ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલયર્સે તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થવાની જાહેરાત કરી છે. વીડિયો મેસેજ દ્વારા ૩૪ વર્ષીય આ સાઉથ આફ્રિકન બેટ્સમેને જણાવ્યું કે આ નિવૃત થવાનો યોગ્ય સમય છે.
૧૪ વર્ષની કારકિર્દી ધરાવતા ખેલાડી એબી ડિ વિલયર્સે બુધવારે ૨૩ મેના રોજ આ જાહેરાત કરી હતી. વધુમાં તેણે જણાવ્યું કે ૧૧૪ ટેસ્ટ મેચ, ૨૨૮ આંતરરાષ્ટ્રીય એક દિવસીય મેચ અને ૭૮ ટી20 આંતરરાષ્ટ્રીય પછી હવે બીજા ખેલાડીઓ માટેનો સમય છે. હવે મારે સમય છે અને પ્રામાણિક રીતે કહું તો હું ખૂબ જ થાકી ગયો છું.
એબી ડિ વિલયર્સે તેની કારકિર્દીમાં ૨૦,૦૧૪ આંતરરાષ્ટ્રીય રન જેમાં ૮૭૬૫ ટેસ્ટ રન, ૯૫૭૭ વન-ડે રન અને ૧૬૭૨ ટી20 રનનો સમાવેશ થાય છે અને ટેસ્ટ તથા એક દિવસીય મેચ બન્નેમાં ૫૦થી વધુની બેટિંગ એવરેજ સાથે સૌને આશ્ચર્યચકિત કર્યા છે.
એબી ડિ વિલયર્સે તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ ૨૦૦૩માં નોર્ધન તરફથી રમતા વેસ્ટર્ન પ્રોવિન્સ સામે કર્યો હતો અને તેણે ઓપનીગ બેટિંગ કરતાં બન્ને ઇનીંગમાં અર્ધી સદી નોંધાવી હતી. માત્ર એક વર્ષના સમયમાં તેણે ઇંગલેન્ડ સામે પોર્ટ એલિઝાબેથ ટેસ્ટમાં ટેસ્ટ મેચમાં ગ્રેહામ સ્મિથ સાથે ઓપનીંગ બેટિંગ કરી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.