અમદાવાદ સહિત રાજયમાં આરટીઇ પ્રવેશમાં ધાંધિયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : રાજ્યમાં અમદાવાદ સહિતના ચાર મુખ્ય શહેરોમાં ખાનગી શાળાઓમાં આરટીઈ અંતર્ગત બાળકોને પ્રવેશ નહી આપતાં ઠેરઠેર વાલીઓ, સ્થાનિક ધારાસભ્ય અને સામાજિક સંગઠનોએ આગેવાનોના નેજા હેઠળ જોરદાર હોબાળો અને ઉહાપોહ મચાવ્યો હતો. ખાસ કરીને અમદાવાદ સહિતના રાજયના મુખ્ય શહેરોમાં લઘુમતી શાળાઓમાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ નહી અપાતાં વિવાદ વકર્યો હતો. અમદાવાદ જિલ્લા શિક્ષિણાધિકારીની કચેરીએ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ વાલીઓનો પક્ષ લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા તો, રાજકોટમાં પણ લધુમતી સ્કૂલે પ્રવેશ ન આપતા મામલો ડીઈઓ સુધી પહોંચ્યો હતો. સુરતમાં આરટીઈમાં બાળકોને પ્રવેશ અપાવવા ગયેલા વાલીઓને સ્કૂલોએ પ્રવેશ આવવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે રાજ્યના મુખ્ય શહેરો સહિત વાલીઓનો ઉગ્ર આક્રોશ હવે સામે આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં આરટીઇ હેઠળ પ્રવેશને લઈ વિવાદ ઊભો થયો છે. સરકારના સત્તાવાળાઓ દ્વારા લઘુમતી સ્કૂલોમાં પ્રવેશ ફાળવણી કર્યા બાદ સ્કૂલોએ પ્રવેશ નહી આપતા વાલીઓએ વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ હોબાળો કર્યો હતો. પ્રવેશ નહી આપવાના સ્કૂલોની મનમાનીને લઇ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વાલીઓએ માંગ કરી હતી કે, ખુદ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદા હોવાછતાં અને આરટીઇ એકટની સ્પષ્ટ જાગવાઇઓ હોવાછતાં સ્કૂલો ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી શકે નહી પરંતુ તેમછતાં સ્કૂલો પોતાની મનમાની કરી ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો સાફ ઇન્કાર કરી રહી છે, જે અદાલતનો તિરસ્કાર છે. વાલીઓના હોબાળાને પગલે આજે એક તબક્કે ડીઈઓ કચેરીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. મણિનગરની હેબ્રોન સ્કૂલ, સાબરમતીની સેન્ટ એન્નસ સ્કૂલ સહિતની સ્કૂલોએ બાળકોને પ્રવેશ આપ્યો ન હતો. અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ બાળકોને પ્રવેશ મળ્યો નથી. અમદાવાદની સેન્ટ મેરી નરોડા, સેન્ટ ઝેવિયર્સ મિરઝાપુર સહિતની સ્કૂલોએ પ્રવેશ આપવા ઈન્કાર કરી દીધો છે. ત્યારે સાબરમતીની સેન્ટ એન્નસ સ્કૂલે પ્રવેશ નહી આપવા અંગે વાલીઓને પત્ર પણ આપી દીધો હતો. સ્કૂલે તેમાં જણાવ્યું છે કે, લઘુમતી શાળાઓનો કેસ કોર્ટમાં ચાલે છે.

કોર્ટનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી તેઓ આરટીઇ હેઠળ પ્રવેશ આપશે નહીં. આંબાવાડીની અમૃત જ્યોતિ સ્કૂલે બાળકોને પ્રવેશ ન આપતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ધારાસભ્ય રજૂઆત કરવા પહોંચ્યા હતા. દરમ્યાન અમદાવાદ શહેર ડીઈઓ આર.સી.પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઈન પોર્ટલ પર અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે, લાલ અક્ષર વાળી સ્કૂલો વાલીઓ પસંદ કરશે તો તેમના રિસ્ક પર પસંદ કરશે. તેમછતાં વાલીઓએ આવી સ્કૂલો પસંદ કરી છે અને તે સ્કૂલોએ પ્રવેશ નથી આપ્યો. પ્રવેશ નથી આપ્યો તેવી સ્કૂલોને અમે પત્ર લખીશું. વાલીઓની રજૂઆત પણ સાંભળીશું. સ્કૂલો પાસેથી લેખિતમાં જવાબ મેળવીને જે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવીશું. જો કે, હાલ તો બાળકોને પ્રવેશથી વંચિત રાખવાને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વિવાદ જોરદાર રીતે વકર્યો છે.

Share This Article