નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના અગાઉના તમામ છ તબક્કા રક્તરંજિત બન્યા બાદ ચૂંટણી પંચે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી દરમિયાન કોઇ પણ પ્રકારની હિંસાને રોકવા માટે વિવિધ પગલા લીધા છે. તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી દરમયાન બંગાળમાં હિંસાની ૩૦૦થી વધારે ઘટનાઓ બની ચુકી છે. મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા છે. વ્યાપક હિંસા જારી રહ્યા બાદ ચૂંટણી પંચે પ્રચારના નિર્ધારત સમયમાં પણ એદ દિવસનો કાપ મુકી દીધો હતો. બંગાળમાં ગુરૂવારના દિવસે જ ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો.
બંગાળમાં અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા ૮૦૦થી વધારે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારઓએ માહિતી આપતા કહ્યુ છે કે કેન્દ્ર સરકારને બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી દ્વારા મોકલી દેવામાં આવેલા અહેવાલને આધાર પર આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યપાલના રિપોર્ટમાં હાલમાં થયેલી હિંસાનો વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યમાં શાસન ચલાવી રહેલા તૃણમુળ કોંગ્રેસના કેડર તરફથી મતદારોને ધમકી આપવામા આવી રહી છે તેવા અહેવાલ બાદ નાગરિકોની સુરક્ષાની ખાતરી કરવા માટે રાજ્યપાલ દ્વારા કહેવામાં આવ્યુ છે. બંગાળમાં દરેક તબક્કામાં મતદાન થયુ છે.
રિપોર્ટમાં મતદારોને ભયમુક્ત થઇને મતદાન કરવા માટે માહોલ બને તેવી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યુ છે. રાજ્યપાલના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સુરક્ષા પુરી ન પાડવાની સ્થિતીમાં મતદારો સ્વતંત્ર રીતે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં. બંગાળ વહીવટીતંત્ર દ્વારા અર્ધલશ્કરી દળોના ૮૦૦ જવાનોની માંગ કરવામાં આવી ચુકી છે. જા કે એ જ દવસે ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત કેટલાક અન્ય રાજ્યોમા મતદાન થનાર છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા તેને સીએપીએફના ૭૦૦ જવાનો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંગાળ સરકાર રાજ્યમાં વધારાના સુરક્ષા જવાનો પણ તૈનાત કરનાર છે.
સરકારી સુત્રોએ કહ્યુ છે કે બંગાળમાં અંતિમ તબક્કામાં સૌથી વધારે પ્રમાણમાં સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવનાર છે. આ મામલે તે જમ્મુ કાશ્મીર કરતા પણ આગળ છે. ચૂંટણી પંચ સામે પણ કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રચારનો અંત આવી ગયા બાદ હવે કોઇ રાજકીય પક્ષ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણી પંચે સીઆઈડી એડીજી અને રાજ્યના પ્રધાન સચિવને પણ દૂર કરી દીધા છે. ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું છે કે, બંગાળમાં છેલ્લા કેટલાક દિવસમાં બનેલી ઘટનાઓ અને ખાસ કરીને છેલ્લા ૨૪ કલાકમાં જે કંઇપણ ઘટના ઘટી છે તેના આધાર પર આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
રાજકીય પક્ષો તરફથી મળેલી ફરિયાદો, પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચના ડીઈસીના અહેવાલ અને ખાસ નિરીક્ષક અજય નાયક તથા વિવેક દુબેના સંયુક્ત રિપોર્ટના આધાર પર આ નિર્ણયો લેવામાં આવ્યા છે. હિંસાની દહેશત વચ્ચે હવે ૧૯મી મેના દિવસે મતદાન યોજાનાર છે.