રાજ્યના ૧૬૦૦ કિ.મી. જેટલા વિશાળ દરિયા કિનારે ૩,૨૭,૭૦૬ જેટલા માછીમારો વસવાટ કરે છે જે પૈકી ૧,૪૦,૩૨૭ લોકો સક્રીય રીતે ૩૫,૧૫૦ જેટલી વિવિધ પ્રકારની બોટો દ્વારા દરિયાઇ માછીમારી કરે છે. આ માછીમારોને દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરી છે. હાલ બે બોટ એમ્બ્યુલન્સ શરૂ કરાશે, જે ૨૪ કલાક સેવાઓ આપશે. જેમાં એક કેપ્ટન સહિત ત્રણ સહાયક કર્મચારી અને એક તાલીમબદ્ધ ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન મળી કુલ પાંચ કર્મચારીઓ ૨૪ કલાક બોટમાં કાર્યરત રહી આરોગ્ય સેવા પૂરી પાડશે.
૧૦૮ રોડ એમ્બ્યુલન્સમાં હોય તે પ્રકારની તમામ જીવન રક્ષક સુવિધાઓ બોટ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવી છે જેથી દરિયામાં માછીમારોને કોઇપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીને તત્કાળ ઇમરજન્સી મેડિકલ સેવા પુરી પાડાશે. આ બોટ એમ્બ્યુલન્સ ૨૪x૭ કાર્યરત થશે આ બોટ એમ્બ્યુલન્સમાં દર્દીઓ માટે એરકંડિશનની સુવિધા સાથે અન્ય આગુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. ઉપરાંત તેમાં ૩૨ પ્રકારની દવાઓ, ૪ ડિસ્પોજેબલ મેડિકલ કન્ઝયુમેબલ અને મેડિકલ સાધનો અને ૨૧ નોન ડિસ્પોજેબલ સાધનનો રાખવામા આવ્યા છે. તેમજ મેડિકલ સાધનોમાં ખાસ કરીને હાર્ટએટેકના દર્દીને મદદ માટે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (A.E.D.) મશીન, પલ્સ ઑક્સીમીટર, દર્દીને હેરફેર માટે ૫ પ્રકારના સ્ટ્રેચર (સ્કુપ સ્ટ્રેચર, સ્પાઇન સ્ટ્રેચર, ઓટોલોડર સ્ટ્રેચર, ક્લોથ સ્ટ્રેચર), નેબ્યુલાઇઝર મશીન, ઇમરજન્સીમાં દર્દીને આપવા માટે ઑકસીજન સિલિન્ડર અને સકશન મશીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.
આ ઉપરાંત ખાસ કરીને દરિયામાં કે કિનારે જેટી ઉપર દર્દીને તબદીલ કરવા તેમજ ક્રેનની મદદથી પણ તબદીલ કરી શકાય તે માટે આગવી ખાસિયતો સાથેનું ખાસ દરિયાઈ ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવા માટે બનાવેલ ‘નીલ રોબર્ટશન સ્ટ્રેચર’ બોટમાં મુકવામાં આવ્યું છે જેથી દર્દીને દરિયામાંથી બોટમાં અને કિનારે જેટી પરથી રોડ એમ્બ્યુલન્સમાં સરળતાથી સુરક્ષા સાથે તબદીલ કરી શકાય. દરિયામાં તેમજ કિનારા ઉપર અને ૧૦૮ના રાજ્યકક્ષાના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા માટે અધ્યતન કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બોટમાં વેરી હાઈ ફ્રિક્વન્સી (V.H.F) સેટ તેમજ G.S.M મોબાઈલ ફોન આપવામાં આવ્યા છે, જેથી V.H.F ના માધ્યમથી દરિયામાં રહેલ માછીમાર, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, મેરીટાઇમ બોર્ડ, જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અને નેવી જેવી વિવિધ એજન્સી સાથે સંકલન કરીને દરિયામાથી મળેલ મેડિકલ ઇમરજન્સી કોલને ત્વરિત પ્રતિસાદ આપવા ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.