ઇસ્લામાબાદ: પાકિસ્તાને આજે કહ્યું હતું કે, પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર કરવામાં આવેલા હુમલામાં જૈશે મોહમ્મદની ભૂમિકા અને તેના ત્યાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠનોના કેમ્પની ઉપસ્થિતિના સંદર્ભમાં ભારત દ્વારા સોંપવામાં આવેલા ડોઝિયર ઉપર ખુલ્લા મનથી મુલ્યાંકન કરવામાં આવશે. ભારતે ગઇકાલે જ પાકિસ્તાનના હાઈકમિશનરને ડોઝિયર સોંપીને પુરાવા આપ્યા હતા જેમાં પાકિસ્તાની હવાઈ દળ દ્વારા ભારતીય લશ્કરી સ્થળોને ટાર્ગેટ બનાવાને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ઇસ્લામાબાદ પોતાના અંકુશ હેઠળ રહેલા વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિ ઉપર કાર્યવાહી કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા આજે કહેવામાં આવ્યું હતું કે, પુલવામા હુમલાને લઇને તેમને ડોઝિયર ળી ગયા છે.
ભારત દ્વારા આપવામાં આવેલા ડોઝિયરની સમીક્ષા થશે. તમામ કાયદાકીય પુરાવામાં તપાસ થશે. વડાપ્રધાન ઇમરાન ખાન પહેલાથી જ કહી ચુક્યા છે કે, પાકિસ્તાન પુલવામા હુમલાના મામલામાં તપાસમાં મદદરુપ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ત્રાસવાદ સહિતના તમામ મુદ્દા પર વાતચીત માટે તૈયાર છે. બીજી બાજુ અમેરિકાએ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઘટવાના સંકેત છે. અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ હવે વિશ્વના દેશો ભારતની સાથે દેખાઇ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને અમેરિકાએ ભારતને ત્રાસવાદી કેમ્પો પર ભારતીય સેના દ્વારા ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ આ મુદ્દે સાથ આપીને તેની સાથે ઉભા હોવાની સાફ વાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ બાદ હવે અમેરિકાએ પણ ભારતની સાથે મજબુતી સાથે ઉભા રહીને કહ્યુ છે કે પાકિસ્તાનને હજુ ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવો પડશે. સાથે સાથે અમેરિકાએ ભારતના હવાઇ હુમલા બાદ કોઇ જવાબી કાર્યવાહીથી દુર રહેવા પાકિસ્તાનને સ્પષ્ટ સલાહ પણ આપી છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરાયો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી તંગદિલી સતત વધી રહી હતી. પહેલા ભારતે પોકમાં હવાઈ હુમલા કરીને ત્રાસવાદી કેમ્પોને ફુંકી માર્યા હતા. ગઇકાલે પાકિસ્તાને દુસાહસ કરીને ભારતીય ક્ષેત્રમાં ઘુસીને ભારતના સૈન્ય વિસ્તારોને ટાર્ગેટ કરવાના પ્રયાસો કર્યા હતા.