નવી દિલ્હી : કર્ણાટકમાંથી નવ આઈપીએસ અધિકારીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચકાસણી હેઠળ આવી ગયા છે. આઈએમએ પોન્ઝી સ્કીમમાં સંડોવણીના કારણસર તેમની સામે સકંજા મજબૂત કરવામાં આવી રહ્યો છે. આઈએમએ પોન્ઝી સ્કીમના પરિણામ સ્વરુપે બેંગ્લોર અને રાજ્યના અન્ય ભાગોમાં ત્રણ હજાર કરોડ રૂપિયાની આસપાસની છેતરપિંડી કરવામાં આવી છે. ૩૦૦૦૦ લોકો સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે. ઇડીની ઉંડી તપાસમાં કહેવામાં આવ્યું છે કે, આ અધિકારીઓએ પોન્ઝી સ્કીમ સામે તપાસ નહીં કરવા માટેની ઉદાસીનતા દાખવી હતી. આ અધિકારીઓને તપાસ ન કરવા માટે જંગી નાણાં ચુકવવામાં આવ્યા હતા. ઇડીની કસ્ટડીમાં કૌભાંડના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ મન્સુર ખાન આવી ચુક્યા છે.
તપાસના પરિણામને લઇને નિવેદન હજુ સુધી જારી કરવામાં આવ્યું નથી. પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને ચુકવવામાં આવેલી લાંચના સંદર્ભમાં ખાને હજુ સુધી કોઇ વિગત જાહેર કરી નથી પરંતુ ખાને કેટલીક જાહેરાતો કરી હોવાના અહેવાલ મળી ચુક્યા છે. ઉત્તરપ્રદેશમાંથી આઈપીએસ અધિકારી અને બેંગ્લોરમાં સેવા કરી રહેલા અધિકારીઓના કહેવા મુજબ ખાનના સંદર્ભમાં ઘણી બધી માહિતી મળી છે. આઈએમએના નાણાનો ઉપયોગ હાલમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હતો. ઇડી દ્વારા હાલમાં જ૬૦ લાખ રૂપિયાનું બિલ ચુકવ્યું હતું.
ઓફિસરના આવાસ માટે ફર્નિચર માટે આ નાણાં ચુકવવામાં આવ્યા હતા. સુત્રોના કહેવા મુજબ ખાને પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત હાઈપ્રોફાઇલ અને અનેક રાજકારણીઓના નામ આપ્યા છે જે લોકોને જંગી નાણા ચુકવવામાં આવ્યા હતા. રાજ્યમાં સંસદીય ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસના ભાગરુપે આગામી દિવસોમાં ઇડી દ્વારા કેટલાક નેતાઓ સામે સમન્સ જારી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ૧૯મી જુલાઈના દિવસે દુબઈથી દિલ્હી પરત ફર્યા બાદ ખાન ઇડીની કસ્ટડીમાં છે.