અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી આજે સવારે છ વાગ્યે સ્પાઇસ જેટની ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થવાની હતી. ફ્લાઇટમાં ૧૩૦ જેટલા પેસેન્જર્સ પણ બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ ફ્લાઇટનો પાયલટ એક કલાક મોડો આવવાના કારણે ફ્લાઇટ ૭ઃ૩૦ વાગ્યે અમદાવાદથી રવાના થઇ હતી. પાયલોટ જ સમયસર ફલાઇટ ઉડાડવા માટે નહી પહોંચતાં સ્પાઇસ જેટની ફલાઇટ દોઢ કલાક વિલંબિત થઇ હતી, જેને પગલે મુસાફરોએ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર હંગામો મચાવ્યો હોવાના દ્રશ્યો સામાન્ય બન્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સ ડિલે થવાના ઘણા બધા કિસ્સાઓ બનતા રહે છે. અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ સવારે ૬ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ટેક આૅફ કરવાની હતી.
સ્પાઇસ જેટની ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોના જણાવ્યા અનુસાર પ્લેનનો પાયલટ મોડો આવવાના કારણે ફ્લાઇટ મોડી ઉપડી હતી. વહેલી સવારે ૬ વાગ્યાની ફ્લાઇટ હોવાથી મુસાફરોને વહેલા પ્લેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ ફ્લાઇટ સમયસર ન ઉડવાના કારણે વિમાનના એર હોસ્ટેસ બહાના કરતી હતી અને તેમાં મુસાફરોની રાહ જોવાની ધિરજ ખૂટી પડી હતી. આ અંગેના વીડિયોમાં કેટલાક મુસાફરો પ્લેનમાં લટાર મારતા જોવા મળે છે અને કેટલાક મુસાફરો એર હોસ્ટેસ સાથે વિમાન ક્યારે ઉપડશે તેની માથાકૂટ કરતા નજરે પડે છે. છેલ્લે જ્યારે પ્લેનના બે પાયલટ વિમાનમાં પ્રવેશે છે ત્યારે મુસાફર બોલે છે કે આખરે આતુરતાનો અંત આવ્યો, તાળીઓ પાડો પાયલટ આવ્યા. આમ દોઢ કલાક બાદ ફ્લાઇટ રવાના થઇ હતી.