અમદાવાદ : પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ) અને ગેસ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યુટ (જીટીઆઈ) દ્વારા આજે નવી દિલ્હી ખાતે ભારતમાં કુદરતી ગેસ ઉદ્યોગો-પડકારો અને તકો વિષય પર એક દિવસનો બહુ મહત્વનો સેમીનાર(વર્કશોપ) યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય ગેસ ઉદ્યોગનાં ટોચનાં ૭૨ માંધાતાઓ હાજર રહ્યા હતાં. આ વર્કશોપને ખુલ્લો મુકતા પીડીપીયુનાં ડાયરેક્ટર એસપીટી પ્રો. સુભાષ શાહે જણાવ્યું હતું કે આ વર્કશોપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ગેસ વપરાશનો દર હાલનાં ૬.૫ ટકાથી વધારીને ૧૫ ટકાનું જે સ્વપ્ન છે તેને ગતિ આપવામાં સહાયક સાબિત થશે. ગેસ વપરાશનો આ લક્ષ્યાંક હાંસલ કરવા અને દેશભરમાં ગેસનો સરેરાશ વપરાશ વધે તે માટે અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો સહિયારા ધોરણે હાથ ધરવાના રહેશે.
તેમણે આ ઉદ્યોગો માટે કરવામાં આવતા ફિલ્ડ પ્રોજેક્ટસ માટે પ્રાદેશિક સરકારી એજન્સીઓ અને ખાનગી ઉદ્યોગોની ભાગીદારી અંગે પણ વાત કરી હતી. આ વર્કશોપમાં પીએનજીઆરબીનાં મેમ્બર (આઈએન્ડટી) શ્રી એસ રથે પોતાનાં મુખ્ય પ્રેઝન્ટેશનમાં ગેસ ઉદ્યોગ અંગેની વિશેષ છણાવટ કરી હતી. તેમણે ભારતીય ગેસ ઉદ્યોગનું સમગ્ર ચિત્ર અને હાલના દરજ્જો વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે ડીજીએચની મહત્તમ નફાને બદલે મહત્તમ ઉત્પાદન કરવાની નીતિની પણ વાત કરી હતી. ભારતમાં ગેસ ઉર્જાનો હિસ્સો માત્ર છ ટકાનો છે, જ્યારે તેની વૈશ્વિક સરેરાશ ૨૪ ટકાની છે. ગુજરાતમાં ગેસનો સરેરાશ વપરાશ ૨૬ ટકાનો છે, જે વૈશ્વિક સરેરાશથી ઊંચો છે. પીડીપીયુની સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીનાં પ્રોફેસર ડો. અનિરબિંદ સરકારે વેબ આધારિત સર્વે પધ્ધતિ-મંકી સર્વેની વાત કરી હતી. તેમના રિપોર્ટમાં ૧૨ જુદી ગેસ કંપનીઓનાં દૃષ્ટિકોણોને પણ દર્શાવાયા હતાં. તેમણે જણાવ્યું હતું કે, અમે આપણા અર્થતંત્રને ગેસ આધારિત કરવા માંગીએ છીએ. ગેસનો વપરાશ ઉદ્યોગનાં મોટાભાગનાં તમામ ક્ષેત્રોમાં થાય છે. આપણા દેશમા પૂર્વ ભારતમાં પૂરતો ગેસ સપ્લાય પડકાર છે અને કુદરતી ગેસની કિંમત પણ પડકાર છે. ગેસ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટનાં બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી રોડ રિનહામે યુએસ નેચરલ ગેસ સપ્લાયનો હિસ્સો ટાંકીને યુએસ ગેસ આયાતમાંથી કેવી રીતે નિકાસ કરતો થયું તેના વિશેની છણાવટ કરી હતી.
ઈન્ટરનેશનલ ગેસ યુનિયનનાં તત્કાલીન પૂર્વ પ્રેસિડેન્ટ અને ગેસ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટનાં સીઈઓ શ્રી ડેવિડ કેરોલે ગ્લોબલ પર્સપેકટીવ ઓન નેચરલ ગેસ ડેવલપમેન્ટ વિષય પર પોતાનું વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, વિશ્વભરમાં ગેસનું વપરાશનું ચલણ વધી રહ્યું છે અને પરિણામે તેની માંગમાં પણ વૃદ્ધિ થઈ છે. તેમણે શહેરીકરણ અને શહેરી વિ
સ્તારોમાં હવાની નબળી ગુણવત્તા અંગે વાત કરી હતી. તેમણે નીતિની ભૂમિકા, એલએનજી ગ્રોથ, કિંમત સ્પર્ધાત્મકતા, સપ્લાયની સલામતી અને ટકાઉપણા જેવા મુદ્દાઓની પણ છણાવટ કરી હતી. ભારત દેશના ગેસ ઉદ્યોગ, તેમાં રહેલી તકો અને તેની સામેના પડકારોના બહુ મહત્વના વિષય પર યોજાયેલા આ સેમીનારમાં બહુ ઉપયોગી અને માર્ગદર્શક જાણકારી સામે આવી હતી.