નવીદિલ્હી : આઈપીએલની વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સના ખરાબ પ્રદર્શન બાદ અજન્ક્ય રહાણેના બદલે સ્ટિવ સ્મિથને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સે આજે નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્મિથને આ પહેલા પુણે સુપરની ટીમના કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. ટીમે નિવેદન જારી કરીને કહ્યું છે કે, રહાણેએ ગયા વર્ષે પ્લે ઓફ સુધી ટીમની યાત્રામાં સારી ભૂમિકા અદા કરી હતી.
જો કે, ફ્રેન્ચાઈઝને લાગે છે કે, ટીમના ૨૦૧૯ના સત્રમાં દેખાવને સુધારવા માટે નવી વ્યૂહરચના અપનાવવાની જરૂર છે. એમ પણ જાણવા મળી રહ્યું છે કે, સ્ટિવ સ્મિથ હંમેશા રાજસ્થાનની ટીમના હિસ્સા તરીકે રહ્યો છે. રહાણેની સાથે તેની ભૂમિકા ખુબ નિર્ણાયક રહી શકે છે. વર્તમાન સિઝનમાં રાજસ્થાનમાં હજુ સુધી આઠ પૈકીની બે મેચોમાં જીત મળી છે.
બાકીની મેચોમાં તેની હાર થઇ છે. પોઇન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ માત્ર ચાર પોઇન્ટની સાથે આઠ ટીમોમાં સાતમાં સ્થાન ઉપર છે. રાજસ્થાન રોયલ્સના હેડ ઓફ ક્રિકેટ જુબીન ભરુચાએ કહ્યું છે કે, રહાણેને વર્ષ ૨૦૧૮માં ટીમનું નેતૃત્વ કર્યું હતું અને તે આગળ પણ ટીમ માટે ચાવીરુપ ભૂમિકા ભજવશે. અજન્ક્ય રહાણે આ વખતે અપેક્ષાપૂર્વકનો દેખાવ કરી શક્યો નથી. રાજસ્થાન રોયલ્સની ટીમ એક લડાયક ટીમ તરીકે ગણવામાં આવે છે. આઈપીએલ સિઝનની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ જ ચેમ્પિયન બની હતી. તે વખતે કેપ્ટન તરીકેની ભૂમિકામાં શેન વોર્ન રહ્યો હતો. ખુબ ઓછા સ્ટાર ખેલાડીઓ હોવા છતાં સંતુલિત દેખાવના કારણે રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલ સિઝન વનમાં ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તેનો દેખાવ સતત નિરાશાજનક રહ્યો છે.