અમદાવાદ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યુ અને ઝેરી મેલેરિયાના ઉપદ્રવની વચ્ચે એડિસી ઇજિપ્તી મચ્છરથી ફેલાતા ઝીકા વાઇરસે લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. ખાસ કરીને આજે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ઝીકા વાઇરસનો પોઝીટીવ કેસ સામે આવતાં હવે રાજયનું અને અમ્યુકોનું આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું હતું અને અગમચેતીના પગલારૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનો સહિતના જાહેર સ્થળોએ મુસાફરોનું ચેકીંગ અને અન્ય આરોગ્ય વિષયક પગલાંની કાર્યવાહી શરૂ કરાઇ છે.
આરોગ્ય કમિશનર જયંતિ રવિએ આજે ઝીકા વાઇરસના એક પોઝીટીવ કેસની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, ઝીકા વાઇરસને લઇ તમામ સારવાર અને અગમચેતીના પગલાં માટે તંત્ર અને સરકાર સજ્જ છે. બીજીબાજુ, શહેરની વીએસ હોસ્પિટલ સહિતની કેટલીક સરકારી હોસ્પિટલમાં ઝીકા વાઇરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયા છે. આમ તો ગઇકાલથી અમરાઇવાડી વિસ્તારમાં ઝીકા વાઇરસનાં ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતાં ચકચાર મચી છે. ઝીકા વાઇરસનો કહેર ગત વર્ષની જેમ વર્તાય તે પહેલાં જ આ વખતે સરકાર અને તંત્ર કોઇ ચાન્સ લેવા માંગતુ નથી અને તેથી તાબડતોબ તંત્ર હરકતમાં આવી ગયું છે. બીજીબાજુ, ઝીકા વાઇરસની દહેશત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ દ્વારા ગુપ્તતાના ભેદી આવરણ હેઠળ છેલ્લા પાંચ દિવસમાં સિવિલની બી.જે. મેડિકલ કોલેજની લેબમાં ઝીકા વાઇરસના ૩૦૦ શંકાસ્પદ દર્દીના લોહીના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. આમ, ઝીકા વાઇરસથી તંત્રમાં ભારે દોડધામ મચી છે. આજે રાજયના આરોગ્ય કમિશનર જયંતિ રવિ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ઝીકા વાઇરસનો એક કેસ પોઝીટીવ આવ્યા બાદ તંત્ર સાબદું બની ગયું છે અને મચ્છરનો ઉપદ્રવ નિવારવા, દવાનો છંટકાવ સહિતના આરોગ્ય સેવા માટેના જરૂરી પગલાં માટે ૪૦૦થી વધુ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
તેમણે મીડિયા મારફતે લોકોને ઝીકા વાઇરસની અસરથી બિનજરૂરી રીતે નહી ગભરાવા માટે પણ અનુરોધ કર્યો હતો. કારણ કે, ઝીકા વાઇરસ સગર્ભા મહિલા માટે ખાસ કરીને પ્રથમ ત્રણ મહિનાના સમયગાળા દરમ્યાન ખતરનાક હોય છે, તેની અસરથી ગર્ભમાં રહેલા બાળકના મગજને આઁંશિક નુકસાનની દહેશત રહે છે. ઝીકા વાઇરસની અસરને લઇ સરકાર દ્વારા દિલ્હીથી નિષ્ણાત તબીબોની ટીમ પણ બોલાવવામાં આવી હતી અને તેના માર્ગદર્શન હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બીજીબાજુ, શહેરીજનોને અંધારામાં રાખીને છેલ્લા પાંચ દિવસથી પૂર્વ વિસ્તારમાંથી ૩૦૦થી વધુ ઝીકા વાઇરસનાં શંકાસ્પદ દર્દીનાં લોહીનાં સેમ્પલ લઇને તેને ટેસ્ટિંગ માટે સિવિલની બી.જે. મેડિકલ કોલેજમાં મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ પટ્ટાના અમરાઇવાડી, ભાઇપુરા, ખોખરા, મણિનગર, બાપુનગર વિસ્તારના પાંચથી સાત લાખ ઘરમાં બ્રીડિંગ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. જે હેઠળ પાણીની ટાંકી, ફૂલદાની, સિમેન્ટની કોઠી, પીપ, ઘડો વગેરે પાણી ભરવાના પાત્રોને ચેક કરીને તેમાં નજરે પડતા મચ્છરોનાં પોરાનો નાશ કરાઇ રહ્યો છે. આ તમામ વિસ્તારના પાંચથી સાત લાખ ઘરમાં હજુ પાંચ દિવસ બ્રીડિંગ સર્વેલન્સની કામગીરી ચાલશે. તો બીજીબાજુ, સરકારનું આરોગ્યવિભાગ પણ હરકતમાં આવ્યું છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેરસ્થળોએ બહારગામથી અથવા તો પરપ્રાંત કે વિદેશથી આવતાં મુસાફરોમાં ચેકીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કે જેથી ઝીકા વાઇરસનો ચેપ ફેલાય નહી. તો, સરકારી હોસ્પિટલોમાં અને દવાખાનાઓમાં પણ જા ઝીકા વાઇરસની શંકાવાળો કોઇપણ કેસ આવે તો તાત્કાલિક તંત્રનું ધ્યાન દોરવા અને તેની અલગ નોંધણી રાખવાની સૂચના જારી કરાઇ છે.