નવીદિલ્હી : યુવરાજસિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. યુવરાજસિંહે આ પ્રસંગે વિડિયો મેસેજથી પોતાની સંપૂર્ણ કેરિયરને રજૂ કરી હતી જેમાં પોતાની ત્રણ ઐતિહાસિક ક્ષણોને પણ દર્શાવી હતી. યુવરાજે વિડિયોમાં પોતાની કેરિયરમાં ત્રણ ઐતિહાસિક ક્ષણો અંગે વાત કરતા કહ્યું છે કે, તેના મુજબ ૨૦૧૧ના વર્લ્ડકપમાં જીત, સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા અને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ટેસ્ટ સદીની બાબતને તે ગણે છે. યુવરાજે વાનખેડે સ્ટેડિયમ ઉપર મેચ રમવાને પોતાના સપના તરીકે ગણાવી હતી. મેસેજ દર્શાવે છે કે, કેન્સર જેવી જીવલેણ બિમારી પણ યુવરાજને હરાવી શકી ન હતી.
યુવરાજનું કહેવું છે કે, તેના મનમાં ક્યારે પણ એવો વિચાર આવ્યો ન હતો કે કોઇ બિમારી તેને હરાવી શકે છે. યુવરાજે કહ્યું હતું કે, માતા-પિતા ઉપરાંત તેમના ગુરુ બાબારામસિંહની ભૂમિકા લાઇફમાં ઉપયોગી રહી છે. વિડિયોમાં યુવરાજે કહ્યું છે કે, તેમની માતા હંમેશા તેના સપોર્ટમાં રહી હતી. યુવરાજ એમ પણ કહે છે કે તેમની માતા ક્યારે પણ તેની કોઇ મેચ નિહાળતી ન હતી. કારણ કે, તેને લાગતું હતું કે, તે જ્યારે પણ મેચ નિહાળે છે ત્યારે વહેલીતકે તે આઉટ થઇ જાય છે. કેરિયરની શરૂઆતમાં તેને સ્કેટિંગ પસંદ હતું પરંતુ પિતા યોગરાજના કારણે તેઓ ક્રિકેટર તરીકે કેરિયર બનાવવા આગળ આવ્યા હતા.
યુવી કહે છે કે, એક વખતે જ્યારે તે સ્કેટિંગમાં ગોલ્ડ જીતીને લાવ્યો ત્યારે પિતાએ ફેંકી દીધો હતો જેનાથી ખુબ દુખ થયું હતું. ત્યારબાદ પિતાએ ક્રિકેટ તરફ ધ્યાન આપવા માટે કહ્યું હતું. ૨૦૧૧ના વર્લ્ડકપના હિરો અને કેન્સરને હરાવીને વાપસી કરીને યુવરાજે યુવા પેઢી માટે પણ દાખલા બેસાડ્યા હતા.