યુગપત્રી
મિત્રતા થવા પાછળ ઋણાનુબંધન હોય છે
મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે મિત્ર આપણને આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે. આપણને કૈક નવું કરવાની પ્રેરણા આપે એ આપણો સાચો અને સારો મિત્ર હોય છે. હવે જોઈએ આગળ…
એવા ને એવા આપણે સુદામા થઈ જીવ્યા,
એવા ને એવા આંખ, હૈયું કાન છે મિત્રો….
જીવનમાં કોઈપણ વ્યક્તિ જોડે મિત્રતા થવી કે સંબંધ બંધાય એની પાછળ ઋણાનુબંધન હોય છે. આ ભવનું કે ગયા ભવનું કંઈક લેણું હોય તો જ મિત્રતા શક્ય છે. આપણી ભાષામાં એના માટે એક સરસ શબ્દ વપરાય છે જેનું નામ છે :- અંજળ. અંજળ હોય તો જ મિત્રતા થાય પછી એ ગમે એવા માણસો હોય,ગમે એ કક્ષાના માણસો હોય પણ અંજળ હોય એટલે સોનાના હીંચકે હિંચકતો દ્વારિકનો નાથ પણ સાવ ચીંથરેહાલ ગરીબ સુદામાનો મિત્ર હોય.મિત્રો તો આપણી આંખ અને કાન છે.મિત્ર એક એવું વ્યક્તિત્વ છે કે જે આપણી ગેરહાજરીમાં પણ આપણી બુરાઈ સાંભળી નથી શકતા.મિત્ર આ દુનિયાના લોકોથી એટલા માટે જુદો પડે છે કે આ દુનિયાના લોકો આપણી મોઢે આપણા વખાણ કરશે અને જાહેરમાં આપણી ભૂલ કાઢશે,પણ મિત્ર જાહેરમાં આપણા વખાણ કરશે અને એકલા હોય ત્યારે આપણી ભૂલ કહેશે.આપણા છિદ્રો બુરવાનું કામ આપણા મિત્રો કરે છે.
આખી દુનિયામાં આપણો મિત્ર જ એક એવો વ્યક્તિ છે જેની સાથે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર આપણે દરેક વાતને વહેંચી શકીએ છીએ.મિત્ર જ એક એવી વ્યક્તિ છે કે જે આપણને વર્તમાનમાં જીવતા શીખવે છે.મિત્ર સાથે હોવાનો મતલબ છે કે આપણે વર્તમાનમાં છીએ.એવું કહેવાય છે કે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણને બીજા કોઈ વિચાર નથી આવતા માટે આપણે હસીએ ત્યારે વર્તમાનમાં હોઈએ છીએ.મિત્ર એટલે તો હાસ્યનો ખજાનો. એ આપણને નાની નાની વાતમાં રાજી રાખીને આપણને ક્ષણનો આનંદ લેતા શીખવે છે,આપણે કદાચ ગમે એવા ટેંશનમાં હોઈશું પણ મિત્ર આપણને કહેશે કે ભાઈ છોડને થઈ રહેશે કૈક.આપણે આવનાર ભવિષ્ય વિશે ચિંતા કરતા હોઈએ અને આપણો મિત્ર આપણને આ ક્ષણના આનંદ લેવરાવતો હોય છે.એ પોતે પણ મસ્તીમાં મસ્ત હોય છે અને આપણને પણ એ રંગે રંગી દે છે માટે એવું લખાય કે,
हमको कल की फ़िक्र सताती,
वो बस आज का जश्न मनाता…
મિત્ર છે એ દરેક ક્ષણને ખુલીને જીવે છે.મિત્ર મનમાં ભરીને નહિ પણ મન ભરીને જીવતો હોય છે.ક્ષણના આનંદને એને માણતાં આવડે છે.મિત્રો ને માટે આનંદ એટલે કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં જઈને પાર્ટી કરવી એટલું જ નહીં પણ ગમે ત્યાં બેઠા ભેગી મોજ છૂટે એવી મસ્તી હોય.જ્યાં જાય ત્યાં આનંદ લેતો જાય એનું નામ જ મિત્ર. દરેક પણને હસીને જીવવું એનું નામ જ જીવન છે અને આવું આનંદદાયી જીવન જીવવામાં આપણને મિત્રો જ મદદ કરે છે માટે એવું લખવું પડે કે,
हर लम्हें को खुलके जीता था वो,
અને આવા મોંઘમુલા હાસ્યની ભેટ આપનાર મિત્રને તો કેમ ભૂલી શકાય કારણકે બહુ ઓછા લોકો હોય છે જે આપણા દિલને સ્પર્શી જાય છે અને એવા લોકોની યાદીમાં મિત્ર પહેલા નંબરે આવે છે માટે એ ગમે ત્યાં હોય એને શોધવો પડે.
અને એટલે લખાય ને કે,
कहाँ से आया था वो, छू के हमारे दिल को कहाँ गया उसे ढूँढ़ो
વધુ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત