વડોદરા : નવાપુરામાં નાણાંકીય લેવડ – દેવડના ઝઘડામાં બે મિત્રો વચ્ચે તકરાર થતા એક મિત્રે બીજાની છાતી અને પેટમાં ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આરોપીએ મૃતકના માતા – પિતાની નજર સામે જ તેમના પુત્રને રહેંસી નાંખ્યો હતો. નવાપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
નવાપુરા કૃષ્ણભવનની ચાલી પાછળ મંગળાવાસમાં રહેતા જ્યોત્સનાબેન ધર્મેન્દ્રભાઇ રાજપૂતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો દીકરો નીતિન છૂટક મજૂરી કરે છે. ગઈકાલે સાંજે સવા ચાર વાગ્યે હું તથા મારા પતિ ધર્મેન્દ્રભાઇ તથા મારા જેઠ – જેઠાણી અને ભત્રીજી કૃષ્ણભવનની ચાલી પાસે રોડની બાજુમાં ઉભા રહીને વાતો કરતા હતા. તે સમયે કૃષ્ણભવનની ચાલીની બાજુમાં અંદર જતા પગદંડી રોડ પર બૂમાબૂમ થતા અમે ત્યાં દોડી ગયા હતા. અમારા ફળિયાની પાછળ રહેતો હાર્દિક ઉર્ફે કપિલ બળદેવભાઇ મહેરિયાના હાથમાં ચપ્પુ હતું. મારા દીકરા નીતિનની ફેંટ પકડીને ગાળો બોલી તેના પેટ તથા છાતીમાં ચપ્પુના ઘા મારતો હતો. જેથી, હું, મારા પતિ તથા કવિતા ત્રણેય નીતિનને બચાવવા માટે દોડી ગયા હતા. કવિતાએ કપિલને પકડી ચપ્પુના વધારે ઘા મારતા અટકાવ્યો હતો. હાર્દિક રોડ તરફ ભાગવા લાગ્યો હતો. જ્યારે લોહીલુહાણ નીતિનને રિક્ષામાં બેસાડી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ, તેનું મોત થયું હતું.
બનાવની જાણ થતા નવાપુરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. હાથમાં ચપ્પુ લઇને ભાગતા કપિલ ઉર્ફે હાર્દિકને પોલીસે દોડીને ઝડપી લીધો હતો. આજે નવાપુરા પી.આઇ. એમ.એસ.અસારીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.