સુરત અમરોલી વિસ્તારમાં સીટી બસ(બીઆરટીએસ) બસ દ્વારા વધુ એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો. બેફામ બનેલી અને માંતેલા સાંઢની જેમ રોજરોજ ગંભીર અને ગમખ્વાર અકસ્માતો સર્જી રહેલી બીઆરટીએસ બસને લઇ હવે સુરતવાસીઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના અમરોલી વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલકે એક યુવકને ટક્કર મારી ઉડાવ્યો હતો અને યુવકને લોહીલુહાણ હાલતમાં જ છોડી બસનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેને લઇ સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી.
બીજીબાજુ ગંભીર રીતે ઘાયલ થયેલ યુવકને સારવાર માટે સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુરતમાં દિવસેને દિવસે સીટી બસ દ્વારા અકસ્માતના બનાવો બની રહ્યા છે. સીટી બસ દ્વારા લોકોને ગંભીર ઇજાઓ સાથે મોતને ઘાટ પણ ઉતારી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તો અડધો ડઝન જેટલા અકસ્માત સર્જી ચૂકી છે. આ મોતની ખૂની બસને લઇ હવે લોકોમાં ક્યાંકને ક્યાંક અકસ્માતને લઈ બસ ચાલકો પર રોષ પણ જોવા મળી રહ્યો છે.
ત્યારે આજરોજ વધુ એક અમરોલી શ્રી રામ ચોકડી પર અકસ્માત સર્જયો હતો. રાહદારી યુવકને ટક્કર મારી બસ ચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સ્થાનિકો મારફત સારવાર માટે ૧૦૮ને ફોન કરતા ૧૦૮નો કડવો અનુભવ થયો હતો. ૧૦૮ દોઢ કલાક બાદ આવી હોવાનો સ્થાનિકોનો આરોપ મુકવામાં આવ્યો હતો. તો હાલમાં ઇજાગ્રસ્ત યુવક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
જે રીતે સીટી બસ દ્વારા વધુ એક અકસ્માત સર્જયો છે ત્યારે રોજબરોજ બેફામ રીતે સીટી બસ હંકાવી લોકોને મોતને ઘાટ ઉતારી રહી છે. આ બસ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સીટી બસના ડ્રાઈવર સાથે સંકલન કરી તેમને તાલીમ આપવાની જરૂરીયાત દેખાઈ રહી છે. બીજીબાજુ, કોંગ્રેસ દ્વારા પણ સુરતવાસીઓના સમર્થનમાં ઉતરી આવી બીઆરટીસ બસ સેવા તાત્કાલિક ધોરણે બંધ કરવા ઉગ્ર માંગણી ઉઠાવી હતી.