અમદાવાદ : રેલવેમાં મુસાફરી કરી રહેલા કોઇ પણ પ્રવાસી પાસે તેની મુસાફરીના સમયગાળા દરમિયાન જો પોતાનું ફોટો આઇડેન્ટિટી પ્રૂફ સાથે નહીં હોય તો ટિકિટ ચેકર તેમને ચાલુ પ્રવાસે ટ્રેનમાંથી ઉતારી મૂકશે. રેલવે દ્વારા તાજેતરમાં મુસાફરીના નિયમો કડક બનાવાયા છે. જે પ્રવાસીએ ટિકિટ બુક કરતી વખતે ઇ-મેઇલ આઇડી જણાવ્યું હોય તેના ઉપર રેલવેતંત્ર આ બાબતે સૂચના આપીને પ્રવાસીઓને સાવચેત કરી રહ્યું છે.
અત્યાર સુધી આખુ ફેમિલી અથવા તો કોઇ બે વ્યક્તિ સાથે મુસાફરી કરતી હોય તો કોઇ એક વ્યક્તિના ફોટો આઇડી પ્રુફુથી ચલાવી લેવાતું હતું પરંતુ હવે ટ્રેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરો માટે આ નિયમ અમલી થતાં રેલવેયાત્રા દરમિયાન હવે દરેક મુસાફરે પોતાનું ફોટો આઇડી પ્રુફ સાથે રાખવું ફરજિયાત છે, પરંતુ આ નિયમનો અમલ એટલી કડકાઇથી કરવામાં આવતો ન હતો, પરંતુ સરહદે યુદ્ધ જેવી સ્થિતિ અને સુરક્ષાવ્યવસ્થા મજબૂત બનાવવા માટે રેલવેએ આ નિયમનું કડકાઇભર્યું પાલન કરવા માટે તમામ ટીસીને સૂચના આપી દીધી છે એટલુ જ નહીં, ગમે તે ફોટો આઇડી પણ ચલાવી લેવામાં આવશે નહીં. મુસાફરે જે ફોટો આઇડી પ્રૂફના આધારે રેલવે ટિકિટ ઓનલાઇન બુક કરાવી હશે એ જ ફોટો આઇડી તેણે મુસાફરી દરમિયાન સાથે રાખવું પડશે.
કોઇપણ આકસ્મિક ઘટના કે બનાવથી બચવા ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા નિયમ અમલી કરી દેવાયા છે, જેમાં દરેક ટીસી (ટિકિટ કલેક્ટર)ને તમામ પ્રવાસીનાં આઇડી ચેક કરવા જણાવાયું છે. યાત્રી મોબાઇલના માધ્યમથી ઓનલાઇન આઇડી બતાવી શકશે. જો પ્રવાસ દરમિયાન યાત્રી તેનું ફોટો આઇડી પ્રુફ નહીં બતાવે તો ટીસી તેને આગળના સ્ટેશને ઉતારી મૂકશે. રેલ્વે તંત્રના આ કડકાઇભર્યા નિયમના કારણે મુસાફરોને-યાત્રિકોને થોડી ઘણી હાલાકી પડશે પરંતુ સુરક્ષા વધુ મજબૂત અને અસરકારક બનશે.