અમદાવાદ: સુરતના વનિતા વિશ્રામ ખાતે એક અનોખા અને રેકોર્ડબ્રેક યોગ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય જાળવણીના સંદેશ સાથે ૯૦૦૦ વિદ્યાર્થીનીઓએ યોગ કર્યા હતા. એકસાથે નવ હજાર વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરી લોકોને આરોગ્ય અને સ્વાસ્થ્ય પરત્વે જાગૃત રહેવા અને નિયમિત યોગ કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. હાલ ઠંડીની સિઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે લોકો સ્વાસ્થ્યને સાચવવા અવનવા નુસખા કરતા હોય છે. કેટલાક લોકો હેલ્થને સાચવવા માટે વહેલી સવારના સુમારે બાગ બગીચામા લટાર મારવા નીકળી પડે છે. વળી કેટલાક તો યોગનો પણ સહારો લેતા હોય છે.
ઠંડી સામે રક્ષણ મેળવવા માટે કેટલાક શહેરીજનો દ્વારા અરદયુ, તલની સાની, મગજ, નીરા, કોપરા પાક, જેવા પાકો બનાવી ઠંડી સામે રક્ષણ મેળવતા હોય છે. ત્યારે સુરતમાં આવેલી વનિતા વિશ્રામ ખાતે એક સાથે ૯૦૦૦ વિદ્યાર્થિનીઓએ યોગ કર્યો હતો. આ યોગ કાર્યક્રમમાં ૩ વર્ષીય બાળકીથી લઇને ૨૦ વર્ષ સુધીની વિદ્યાર્થીનીઓએ એક સાથે યોગ કર્યો હતો.
વનિતા વિશ્રામના સંચાલક કિર્તેષ પટેલના જણાવ્યા અનુસાર ઠંડીની ઋતુમાં હેલ્થ અવેરનેશને લઇને યોગનું આયોજન કરાયું છે. વનિતા વિશ્રામના સંચાલકના જણાવ્યા પ્રમાણે ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે યોગનું આયોજન કરાયું હતું. યોગમાં ૯૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓએ એક સાથે ભાગ લઈ પોતાની હેલ્થને સ્વસ્થ રાખવાના પ્રયાસ કર્યા હતાં. ૯૦૦૦ વિદ્યાર્થીઓના દ્વારા યોગના આ કાર્યક્રમની રાજયભરમાં મહત્વપૂર્ણ નોંધ લેવાઇ હતી.