અમદાવાદ : આફ્રિકન દેશમાં જતા લોકો માટે તેમની યાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં ૧૦ દિવસ અગાઉથી યલો ફીવર રસી લેવાની ફરજિયાત છે. અત્યાર સુધી પેસેન્જર્સને મ્યુનિસિપલ કચેરી, દાણાપીઠ ખાતે આવેલા સેન્ટરમાં યલો ફીવર રસી લેવા આવવું પડતું હતું. જા કે, હવે આગામી દિવસોમાં આ સેન્ટરને તાળાં મારીને યલો ફીવર રસી આપવાની કામગીરી સરદાર વલ્લભભાઇ પટેલ (એસવીપી) હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલમાં હાથ ધરાશે.
આ નિર્ણયને પગલે આફ્રિકન દેશોમાં જતા પ્રવાસીઓ માટે ઘણી રાહત થશે. આ અંગે મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ખમાસા-દાણાપીઠમાં આવેલા તંત્રના દવાખાનામાં આફ્રિકન દેશમાં જતા લોકોને યલો ફીવર રસી અપાય છે. સમગ્ર ગુજરાતમાં યલો ફીવર રસી આપવાના ગાંધીનગર અને અમદાવાદ એમ બે જ સેન્ટર છે. મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા યલો ફીવર આપવાના સેન્ટરમાં છેલ્લાં ૪૦ વર્ષથી આ રસી અપાઇ રહી છે.
જા કે, મ્યુનિસિપલ મુખ્યાલયમાં પાર્કિગની સમસ્યા, પેસેન્જર્સનો ધસારો વગેરેના કારણે ટૂંક સમયમાં આ સેન્ટરને બંધ કરીને તેને એસવીપી હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં ખસેડાશે. આ બંને હોસ્પિટલમાં યલો ફીવરના દવાખાના માટે પૂરતી જગ્યા છે. વાહન પાર્કિગની પણ કોઇ સમસ્યા નથી અને તેના કરતાં પણ વિશેષ તો સમગ્ર રાજ્ય અને શહેરના લોકોને છેક ખમાસા દાણાપીઠ સુધી રસી મુકાવવા દોડીને આવવું પડતું હતું તેના બદલે બે સેન્ટર શરૂ કરવાથી પૂર્વ અમદાવાદના લોકો એલજી અને પશ્ચિમ અમદાવાદના લોકો એસવીપી હોસ્પિટલના સેન્ટરનો લાભ લઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ મુખ્યાલયમાં સ્થિત દવાખાનામાં દર અઠવાડિયે ૧પ૦ પેસેન્જર યલો ફીવરની રસી મુકાવે છે.