અમદાવાદ : ગુજરાતનું અંબાજી મંદિર ગુજરાતમાં જ નહીં ભારતભરમાં કરોડો લોકોની આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે આવે છે. યાત્રિકોની સગવડતા ખાતર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતાં બદલાવ અનુસાર મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં દરરોજ સવાર-સાંજ બે સમય આરતી થતી હતી. પણ હવે અંબાજીના દર્શને આવતા દરેક ભકતોને આરતીનો પૂરો લાભ મળી શકે તે માટે બપોરની આરતી વિશેષ કરવામાં આવશે. આમ, સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં હવે માતાજીની દિવસમાં ત્રણ વખત આરતી થશે.
તાજેતરમાં અખાત્રીજનું ગુજરાતમાં અનેરું મહ¥વ હોવાથી યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે મુજબ, હવે તા.૭મી મેથી તા.૩જી જુલાઈ સુધી મંદિરનો સમય બદલવામાં આવ્યો છે. જેમાં અંબાજી મંદિર સવારે ૧૧.૩૦ના બદલે ૧૦.૪૫ વાગ્યે બંધ થઈ જશે. આ સિવાય દર્શનાર્થીઓ માટે દિવસમાં માતાજીની ત્રણ વખત આરતી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં સવારની આરતી ૭.૦૦ વાગ્યાથી ૭.૩૦ વાગ્યાની વચ્ચે કરવામાં આવશે.
સવારના દર્શન ૭.૩૦થી ૧૦.૪૫ વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. તેમ જ ૧૨.૩૦થી ૧.૦૦ વાગ્યાની વચ્ચે અંબાજી મંદિરમાં રાજભોગ આરતી થશે, જ્યારે બપોરના ૧.૦૦ વાગ્યાથી ૪.૩૦ વાગ્યા સુધી કરી શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેશે અને સાંજની આરતી ૭થી ૭.૩૦ વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતો હવે દિવસમાં ત્રણ વખત આરતીનો લાભ લઇ શકશે તે પ્રકારના મંદિર ટ્રસ્ટના વિશેષ આયોજનને લઇ ભકતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિર ટ્રસ્ટ લાખો શ્રધ્ધાળુઓના દર્શન અને પ્રસાદમાં કોઇ અગવડ ના પડે તેની ખાસ વ્યવસ્થા અને આયોજન હંમેશા કરતું હોય છે અને તેને લઇ તંત્ર પણ સહકાર આપતું હોય છે, જે હકારાત્મક અભિગમ દર્શાવે છે.