નવી દિલ્હી : યમુના નદી ઉપર તૈયાર સિગ્નેચર બ્રિજ આજથી સામાન્ય લોકો માટે ખુલી જશે. આજે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આનું ઉદ્ઘાટન કર્યું હતું. એએપી અને ભાજપ વચ્ચે ક્રેડિટ લેવા માટેની સ્પર્ધાના લીધે ઉદ્ઘાટન પહેલા ખેંચતાણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ઉદ્ઘાટન સ્થળ પર ભારે ધાંધલ ધમાલ થઇ ગઇ હતી. સ્થાનિક સાંસદ મનોજ તિવારી પહોંચી ગયા બાદ એએપી અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. સ્થાનિક સાંસદ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજડ તિવારી કોઇપણ નિમંત્રણ વગર ત્યાં પહોંચી ગયા હતા.
ત્યારબાદ નારેબાજી જોવા મળી હતી. ઉદ્ઘાટન સ્થળે ધાંધલ ધમાલ અને ઝપાઝપી જોવા મળી હતી જેના લીધે પોલીસને મુશ્કેંલી પડી હતી. બંને પાર્ટીઓએ એકબીજા ઉપર આક્ષેપ કર્યા હતા. એએપીએ મનોજ તિવારી અને તેમના સમર્થકો ઉપર મારામારીના આક્ષેપ કર્યા હતા. મનોજ તિવારી ઉદ્ઘાટન સ્થળે પહોંચી ગયા બાદ ધાંધલ ધમાલની શરૂઆત થઇ હતી. મનોજ તિવારીએ કહ્યું હતું કે, તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ અહીના સાંસદ તરીકે છે. કોઇ અપરાધી તરીકે નથી. બીજી બાજુ અનેક વખતે સમય મર્યાદા આપવામાં આવ્યા બાદ આખરે ૧૪ વર્ષમાં તૈયાર સિગ્નેચર બ્રિજનું આજે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે, સિગ્નેચર બ્રિજનું કામ રોકાવવા માટે ભાજપે તમામ પ્રકારના પ્રયાસ કર્યા હતા. ઉદાસીન અધિકારીને ઇન્ચાર્જ બનાવીને એક વર્ષ સુધી ફાઇલોને રોકાવી દીધી હતી.
અધિકારીઓને ધાકધમકી અપાઈ હતી. અમે લડી લડીને ફાઇલો પાસ કરાવી રહ્યા હતા. દરેક સપ્તાહમાં નિરીક્ષણની કામગીરી ચાલી હતી. આખરે સપનું પુરુ થયું છે. ભાજપ માટે આ પુલ નિરાશાજનક હોઈ શકે છે પરંતુ દિલ્હીના લોકો માટે ગર્વ લેવા જેવી બાબત છે. સિગ્નેચર બ્રિજ નોર્થઇસ્ટ દિલ્હી અને બહારની દિલ્હીને જાડે છે. આશરે ૧૪ વર્ષ પહેલા સિગ્નેચર બ્રિજ માટે પ્લાન તૈયાર કરાયો હતો. આ પ્રોજેક્ટ ૨૦૧૪માં મંજુર કરાયો હતો. આને ૨૦૧૦ના કોમનવેલ્થ ગેમ્સ પહેલા તૈયાર કરવાની યોજના હતી. માર્ચ ૨૦૧૦માં આ પ્રોજેક્ટ ઉપર ઝડપથી કામ થયું હતું. મોડેથી તેની ડેડલાઈનને ડિસેમ્બર ૨૦૧૩ કરી દેવામાં આવી હતી. હવે આ બ્રિજ ઉપર વાહનોની અવરજવર શરૂ થશે. આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો ત્યારે તેનો ખર્ચ ૪૬૪ કરોડ રૂપિયા હતો પરંતુ વિલંબના પરિણામ સ્વરુપે ખર્ચ સતત વધતો ગયો હતો. સુધારવામાં આવેલી ફાઇલો સતત આગળ વધી હતી અને ખર્ચ અનેકગણો થઇ ગયો છે. ૧૫૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.