નવી દિલ્હી: ઉત્તરપ્રદેશથી લઇને બિહાર સુધી છેલ્લા કેટલાક દિવસથી જારી ભારે વરસાદના પરિણામ સ્વરુપે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. એકલા ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને આંધી તોફાનથી હજુ સુધી ૭૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
બીજી બાજુ કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે જેના લીદે ભારે તબાહી થઇ છે. દેશના પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પુરના લીધે હજુ સુધી ૪૭૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. માર્ગો તળાવમાં ફેરવાઈ ચુક્યા છે. મોટી કાર હોડીઓની જેમ પાણીમાં તરી રહી છે. ઓફિસો અને હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ ગયા છે. પટણાના નાલંદા મેડિકલ કોલેજમાં આઈસીયુ સુધી પાણી ભરાઈ ગયા છે. દર્દીઓને હોસ્પિટલમાં મુકીને સ્ટાફના લોકો ફરાર થઇ ગયા છે. કલાકો સુધી આઈસીયુમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પઆ આવી જ સ્થિતિ બનેલી છે. લખનૌના ગોલાગંજમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. મોઇલીગંજ, વજીરગંજ, ગોલાગંજ, ખીરબેંક સહિતના વિસ્તારોમાં ત્રણથી ચાર ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે. કાનપુરમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. બિહાર અને ઉત્તરપ્રદેશ ઉપરાંત દિલ્હીમાં જનજીવન પહેલાથી જ ખોરવાયેલું છે. દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.
હિમાચલ અને મધ્યપ્રદેશમાં પણ હાલમાં વરસાદ થઇ રહ્યો છે. તમામ રાજ્યોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટુકડી લાગેલી છે. હરિયાણાના હથિનીકુંડમાંથી અવિરત પણે છોડવામાં આવી રહેલા પાણીના કારણે હવે યમુના નદીમાં પાણીની સપાટી દિલ્હીમાં ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઇ છે. તંત્ર બિલકુલ સાબદુ થઇ ગયુ છે. યમુના નદીમાં પાણીની સપાટી હવે ભયજનક સ્તરથી આશરે અડધા ફુટ ઉપર છે. પુરની સ્થિતીને ધ્યાનમાં લઇને ટ્રાફિક પોલીસે ગઇકાલે મોડી રાતથી જ લોખંડના પુલ પરથી બંને બાજુએ ટ્રાફિકને બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે. ૨૭ પેસેન્જર ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યારે સાત ટ્રેનોના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે.
આ પહેલા શનિવારે રાત્રે નવ વાગ્યા સુધી યમુનામાં પાણીની સપાટી ૨૦૫.૩ મીટર સુધી હતી. યમુનમાં પાણીની સપાટી હાલમાં ખતરાના નિશાનથી ઉપર દેખાઈ રહી છે. બેરેજમાંથી શનિવારના દિવસે પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ આ પાણીનો જથ્થો હવે પહોંચતા સ્થિતિ વિકટ બની ગઈ છે. હજુ વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે. યમુનાના કિનારે રહેનાર લોકોને આવાસો ખાલી કરવાની ફરજ પડી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સ્થિતી પર નજર રાખી રહ્યા છે. અધિકારીઓસાથે પણ કેજરીવાલ સતત બેઠક યોજી રહ્યા છે.
યમુનામાં વધતી જતી પાણીની સપાટીને ધ્યાનમાં લઈને લોકો પણ પહોંચી રહ્યા છે. હથીનીકુંડમાંથી છોડવામાં આવેલ પાણી દિલ્હી યમુનાનગરના રસ્તે પહોંચે છે. બીજી બાજુ દેશના અન્ય ભાગોમાં પણ સ્થિતિ વિકટ બનેલી છે. ઉત્તરપ્રદેશના જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૬૦ થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. યમુના નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા બાદ સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે.