અમદાવાદ : કહેવત છે ને કે, મોરના ઇંડા ચીતરવા ના પડે. અમદાવાદના મીનીએચર આર્ટિસ્ટ અને ગિનિસ બુક વર્લ્ડરેકોર્ડમાં નામ ધરાવતાં દિપકભાઇ ભટ્ટના સંતાનો એવા પુત્ર કુશ ભટ્ટ અને પુત્રી દેવાંશી ભટ્ટે પણ આ ક્ષેત્રમાં કાઠુ કાઢયું છે. ખાસ કરીને દિપકભાઇના ધોરણ-૭માં અભ્યાસ કરતા પુત્ર કુશ ભટ્ટે ચોખાના એક દાણા પર એકબાજુ, ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો દોરી તેની નીચે મેરા ભારત મહાન લખ્યું છે અને દાણાની બીજીબાજુ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરવામાં આવ્યું છે. આ અનોખા રેકોર્ડ બદલ કુશ ભટ્ટને તા.૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિતે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા તેને ખાસ ટ્રોફી અને પ્રશÂસ્તપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આજે સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે કુશ ભટ્ટનું ચોખાના દાણા પર એકબાજુ ત્રણ એમએમનું ગાંધી બાપુનું ચિત્ર અને બીજીબાજુ, એક એમએમનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો દોરી તેની નીચે મેરા ભારત મહાન લખવાની અનોખી સિધ્ધિ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પામવા બદલ કુશ ભટ્ટે ભારે ખુશી વ્યકત કરતાં જણાવ્યું કે, ચોખાના દાણા પર આ પ્રકારે મીનીએચર આર્ટની પ્રેરણા તેને તેના પિતામાંથી જ મળી હતી. કારણ કે, તેના પિતા આ કલામાં નિપુણ અને ભારે મહારથ ધરાવે છે.
ચોખાના દાણા પર મહાત્મા ગાંધીનું ચિત્ર, ત્રિરંગો દોરવામાં અને તેની નીચે મેરા ભારત મહાન લખવામાં તેને ૨૦ મિનિટ જેટલો સમય લાગ્યો હતો. એક અતિ નાના ચોખાના દાણા પર આટલ બધુ લખવુ કે દોરવું કેવી રીતે શકય છે તેવા પ્રશ્નના જવાબમાં આ નાનકડા કલાકાર કુશ ભટ્ટે જણાવ્યું કે, તેના માટે એકાગ્રતા બહુ મહત્વની છે. ઉપરાંત, ચોખાના દાણા પર લખવા માટે મારા પિતા દિપક ભટ્ટ વનસ્પતિ અને ફુલ-છોડના તાંતણા અને રસમાંથી શાહી બનાવે છે અને તેના તાંતણા મારફતે આ લખાણ શકય બનાવાય છે.