એક એવો પરિવાર જ્યાં દિવસની શરૂઆત પૂજાપાઠથી થાય છે. જો કોઈ ઘરની બહાર જાય તો પણ જયશ્રીકૃષ્ણ કહીને જાય અને ઘરમાં આવનાર મહેમાનનું સ્વાગત પણ જયશ્રીકૃષ્ણથી જ કરવામાં આવે. ઘરમાં ભોજન પણ સાત્વિક જ બને…આવા સંસ્કારી ઘરનો એકનો એક દિકરો સાર્થક જરા પણ ધાર્મિક નથી…આ જ ટેન્શનનું મૂળ કારણ છે, પણ આ કારણ એટલુ મોટુ છે?
વસંતીબહેન આ વાતથી ખૂબ જ પરેશાન રહે છે. તે ઈચ્છે છે કે તેમનો દિકરો સાર્થક પણ ઘરની પરંપરા જાળવે. રોજ સવારે ઉઠીને સૂર્યનારાયણને પાણી ચડાવે, આખી પૂજા નહીં તો એટલિસ્ટ સવાર સાંજ અગરબત્તી કરે, માળા કરે અને એકાદ પાઠ વાંચે. આટલું કરી લેશે તો તેનો ભવ તરી જશે. સાર્થક બહાર ભણતો હતો તેને આ બધા નિયમ પાળવાનો સમય પણ નહોતો કે રસ પણ નહોતો. એવું નહોતુ કે સાર્થક નાસ્તિક છે. તેને ભગવાન પર પૂરી શ્રધ્ધા છે, બસ તેની વિચારસરણી થોડી જુદી છે. સાર્થકનું માનવું છે કે જો હું કોઈને નડતર ન બનું, સજ્જન રહું, કોઈના વિશે ક્યારેય ખોટુ ન વિચારું તો પણ ભગવાનની પૂજા બરાબર જ છે. તેની આ વાત થોડાક અંશે પપ્પા સમજતા હતા…પરંતુ મમ્મીને તો….?
સવાલ એ નથી કે પૂજા કરવી જોઈએ કે નહીં….સવાલ એ છે કે આપણે જે રીતથી ભગવાનને ભજીએ છીએ તે જ રીતે અન્ય ભજે તો જ સાચું? ભક્તિ અને પૂજા પાઠની આપણી જે રીત છે તે જ અન્યની હોય તે જરૂરી નથી. આવા ઘણા લોકો હોય છે જે પોતાની વિચારસરણી અને કોઈ પણ કાર્ય કરવાની પોતાની રીતને બીજા પર થોપી બેસાડવા માંગે છે. જો સામેવાળુ વ્યક્તિ તેમની વાત ન માને તો ઈમોશનલ કરીને પણ તેને વાત મનાવડાવે છે. ખાસ કરીને જ્યારે ભક્તિની વાત થતી હોય તો કહી શકાય કે ઈશ્વર ક્યારેય એવુ નથી કહેતા કે ચોક્કસ પ્રકારની પૂજા કે પ્રાર્થના કરવાથી જ તમારી ઉપર આશીર્વાદ વરસાવશે, ભક્તિની રીત કોઈ પણ હોય બસ મન પવિત્ર અને સાફ હોવુ જોઈએ. બની શકે કે નોનવેજ ખાતો વ્યક્તિ પણ વધારે પૂજાપાઠ કરતો હોય…બની શકે કે દિવસ રાત જેના મૂખમાં રામ હોય તે વ્યક્તિનાં મનમાં પણ કપટ હોઈ શકે.
જો તમારી આસપાસ પણ કોઈ એવા વ્યક્તિ હોય, જે ચિંતિંત હોય કે મારા સંતાન મારી વાત નથી સાંભળતા. તો તેમને ચોક્કસ કહેજો કે દરેકનાં મન અલગ વિચારે છે. દરેકની શ્રધ્ધા અને આસ્થા અલગ છે. તેમની ભક્તિની રીત પણ અલગ હોઈ શકે. તેથી જરૂર નથી કે તમે જે રીતે ભક્તિ કરો તે જ નિયમ અન્ય પાળ તો જ સાચો ભક્ત હોય. વસંતી બહેનને પણ દિકરા સાર્થકની આ વાત સમજાશે.
-પ્રકૃતિ ઠાકર