જાણો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા આ ઐતિહાસિક સ્થળનો ઇતિહાસ

Rudra
By Rudra 6 Min Read

ગુજરાતમાં આવેલું પાટણ પ્રાચીન કાળમાં લગભગ 600 વર્ષોથી પણ વધુ સમય સુધી ગુજરાતની ઐતિહાસિક રાજધાની રહ્યું હતું. પાટણમાં પ્રતાપી સોલંકી વંશે ઇ.સ. 942 થી 1134 ના મધ્ય કાળ સુધી શાસન કર્યું હતું, જે એ સમયે પશ્ચિમ ભારતની રાજધાની તરીકે પ્રખ્યાત હતું. જેના ફળસ્વરૂપે પાટણમાં કેટલાક મંદિરો, મસ્જીદો, મકબરા, વાવ અને તળાવો વગેરેના અવશેષો પ્રાપ્ત થયા છે. રાણીની વાવ આ બધા સ્મારકોમાં તત્કાલીન સ્મારકો તથા કલાની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડે છે. જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્તમ ઉદાહરણ એવી પાટણ ખાતે આવેલી રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન આપવામાં આવ્યું હતું.

ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન “વર્લ્ડ હેરિટેજ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના પાટણ સ્થિત વર્લ્ડ હેરિટેજ સાઈટ “રાણીની વાવ” વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ 100 રૂપિયા પર રાણીની વાવના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે. જેથી વિશ્વભરમાં રાણીની વાવની પ્રવાસન અને ઐતિહાસિક રીતે લોકચાહના વધી છે, જેના પરિણામે સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભારતના ખૂણે ખૂણેથી અને અન્ય દેશમાંથી પ્રવાસીઓ આ અદભુત વાવને નિહાળવા ઉમટી પડે છે. ગત નાણાકીય વર્ષ 2023 થી 2024 દરમિયાન અંદાજે 3.52 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ અને 3,327 વિદેશી સહેલાણીઓ રાણીની વાવને જોવા ઉમટ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે ઓકટોબર માસ સુધીમાં 1.58 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ તેમજ 962 જેટલા વિદેશી પ્રવાસીઓ રાણીની વાવ જોવા આવ્યા છે. આ રાણીની વાવની અદભૂત કળા અને કોતરણીથી પ્રવાસીઓ ખૂબ જ અભિભૂત થાય છે. દેશમાં સ્વચ્છતા, સેનિટેશન બાબતે શાળા, હોસ્પિટલ, રાજ્ય વગેરે મળી 10 સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2016માં પાટણ શહેરમાં આવેલ આ વર્લ્ડ હેરીટેજ સાઇટ રાણીની વાવને “આઇકોનિક ક્લીન પ્લેસ” તરીકે પંસદગી થતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

WhatsApp Image 2024 11 23 at 10.32.25

રાણીની વાવ, પાટણ જિલ્લાના પાટણ શહેરથી લગભગ બે કિ.મી. સરસ્વતી નદીના તટ પર આવેલી છે. ઇ.સ. 1022 થી 1063 દરમિયાન ‘સુવર્ણ યુગ’ તરીકે ઓળખાતા સોલંકી વંશના પ્રતાપી શાસક ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવની દિશા પૂર્વ-પશ્ચિમ અને તેનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં આવેલું છે. આ વાવની લંબાઇ 63 મીટર અને પહોળાઈ 20 મીટર તથા ઉંડાઇ 27 મીટર જેટલી છે. તેનું બાંધકામ મુખ્યત્વે ઇંટો દ્વારા કરવામાં આવ્યું છે. જેના ઉપરનો ભાગ પત્થરોથી કંડારેલો છે. વાવના મુખ્ય બે ભાગ છે, જેનો પૂર્વ ભાગ 7 માળનો પગથીયાવાળો, ગલીયાળો તથા પશ્ચિમ ભાગ તરફનો કુવો ગલીયારા સાથે જોડાયેલો છે.

‘સમરાંગણ સૂત્રધાર’માં વાવનાં વિવિધ પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નંદ પ્રકારની વાવનું વર્ણન આ વાવની રચના સાથે સામ્ય ધરાવે છે. રાણીની વાવમાં પ્રવેશવા માટે એક સુંદર સુશોભિત તોરણદ્વાર હતું. રાણીની વાવની બન્ને તરફની દિવાલોને દેવ, દેવીઓ, અપ્સરાઓ વગેરેની ઘડેલી સુંદર તથા ચિત્રાંકન કરેલી પ્રતિમાંઓથી સુશોભિત કરવામાં આવી છે. આ અલંકરણ યોજનામાં જ્યાં એક તરફ વિષ્ણુ ભગવાનના દશાવતાર જેવા કે વરાહ, નરિસંહ, વામન, બલરામ, રામ, કલ્કી, ભગવાન બુદ્ધનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના સિવાય વિષ્ણુના આયુધ આધારીત મનાયેલા 24 સ્વરૂપ અહીં કંડારેલા છે. આ સિવાય અહી અલંકાર પ્રસ્તરની રચના છે, જે પાટણની વિશ્વ પ્રસિદ્ધ હસ્ત શિલ્પકલા “પટોળા-સાડી”માં વણાયેલ રંગીન નમૂના માટે પ્રસિદ્ધ છે. વાવમાં મુખ્યત્વે નાની મોટી 800 થી પણ વધારે પ્રતિમાઓ સ્થાપિત હતી, જેમાંથી અમુક પ્રતિમાઓ તો હાલમાં જ બની હોય તેવું પ્રતિત થાય છે. આમ, રાણીની વાવ એક અદ્વિતિય, સંપૂર્ણ, સુંદર અને પવિત્ર વાવ છે.

દેશની આઝાદી પહેલા એટલે કે ઇ.સ. 1936માં આ વાવને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે રાષ્ટ્રીય સ્મારક તરીકે સંરક્ષિત ઘોષિત કરી હતી. ઇ.સ. 1962-63માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અહીંયા પુરાતાત્વિક ઉત્ખનન કાર્યનો પ્રારંભ કર્યો, જેના ફળસ્વરૂપે રાણીની વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ઉત્ખનન કાર્ય દરમિયાન રાણી ઉદયમતિની દેવનાગરી ભાષામાં લખાણવાળી પ્રતિમા જેમાં “મહારાજ્ઞી (મહારાણી) શ્રી ઉદયમતિ” લખાણ કંડારાયેલું છે, જે મહત્વપૂર્ણ પુરાતાત્વિક પુરાવા છે. જૂના લખાણોના આધાર પર આ વાવ લગભગ 13મી સદીનું હોવાનું માનવામાં આવે છે, જે રાણી ઉદયમતિ દ્વારા નિર્મિત છે, એવું પ્રમાણિત થાય છે. યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન આપવામાં આવ્યું હતું.

WhatsApp Image 2024 11 23 at 10.32.24

અત્રે ઉલ્લેખનીય છે કે દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે રાજ્ય સરકારે “હેરિટેજ ટુરિઝમ પોલિસી:2020-25” જાહેર કરી હતી. આ પોલીસી હેઠળ ગુજરાતના નાના ગામ-નગરોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પ્રાચીન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા અને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખૂલ્લા મૂકવાનો તેમજ આવા હેરિટેજ સ્થળોને પ્રોત્સાહનો આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યો છે.

હેરિટેજ ટુરિઝમ પોલીસી અંતર્ગત તા. 1 જાન્યુઆરી-1950 પહેલાની હેરિટેજ હોટલ, મ્યૂઝિયમ, બેન્કવેટ હોલ કે રેસ્ટોરન્ટનું નિર્માણ કરતી ઐતિહાસિક વિરાસતના મૂળ માળખા સાથે છેડછાડ કરી શકાશે નહિ. સાથે જ, હેરિટેજ હોટલ, હેરીટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ યુનિટના રીનોવેશન-રીપેરીંગ માટે રૂ. 30 લાખથી રૂ. 10 કરોડ સુધીની સહાય રાજ્ય સરકાર પૂરી પાડે છે. આ ઉપરાંત પાંચ વર્ષ માટે 100 ટકા ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી માફી અને નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે રેન્ટ સહાય વગેરેના વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે.

Share This Article