મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને વૃક્ષાચ્છાદિત વિસ્તાર-ગ્રીન કવરમાં વધારો કરીને જનસહયોગથી દેશમાં અગ્રીમ પર્યાવરણ રક્ષિત હરિયાળું રાજ્ય બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વૃક્ષો સમાજ જીવનના ફેફસા છે અને કુદરતી એરફિલ્ટરની ભૂમિકા નિભાવે છે ત્યારે આપણી ભાવિ પેઢીને સ્વચ્છ પર્યાવરણ-શુધ્ધ હવા મળી રહે તે માટે રાજ્યમાં નગરો-મહાનગરોમાં મોટાપાયે વૃક્ષોના વાવેતરનું જનઆંદોલન શરૂ કરવું છે.
વિજયભાઇ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય વન દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના નાગરિકો સાથે બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ-વાર્તાલાપ કર્યો હતો. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારો સહિતના ૧૮ લાખ જેટલા નાગરિક ભાઇ-બહેનો, શાળા કોલેજના બાળકો-વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીનો આ પ્રેરણા સંદેશ ઝિલ્યો હતો.
સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ર૧મી માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષના આ દિવસની થીમ ‘ફોરેસ્ટસ એન્ડ સસ્ટેઇનેબલ સિટીઝ’ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આધુનિક યુગમાં નગરો-મહાનગરોના વિકાસ સાથે ઇકોફ્રેન્ડલી-સસ્ટેઇનેબલ સિટીના નિર્માણ માટેની જનભાગીદારી પ્રેરિત કરવાના રાજ્ય સરકારના આયામોની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, આવનારી પેઢીના સરળ-સ્વસ્થ જીવન માટે વૃક્ષો-વનો સમૃધ્ધ હોય તે સમયની માંગ છે. ગુજરાતમાં નગર નંદનવન યોજના અન્વયે ‘ડેવલપમેન્ટ વીથ ગ્રીન કવર’નો અભિગમ અપનાવ્યો છે, તેમણે રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની પડતર જમીનમાં આવા નગર નંદનવન નિર્માણ માટેની આવશ્યકતા સમજાવી હતી.
શહેરોના વિકાસ માટેની ટી.પી. સ્કિમમાં પણ પાંચ ટકા સુધી ગ્રીન કવર એટલે કે વૃક્ષ વાવેતર, બગીચા નિર્માણનું પ્રાવધાન રાખ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નદીઓ-લોકમાતાઓના શુધ્ધિકરણની જનઝૂંબેશ આગામી ચોમાસા પહેલાં ઉપાડવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, નદીના બેય કાંઠે મોટાપાયે વૃક્ષોનું વાવેતર કરીને નદીઓમાં જતો કચરો અટકાવી શકાશે. એટલું જ નહિ, ચોમાસામાં એ વૃક્ષો ઉગી નીકળતાં શહેરોનું પર્યાવરણ ગ્રીન કવર પણ વ્યાપક બનશે.
મુખ્યમંત્રીએ બાળકોમાં બચપણથી જ વૃક્ષ ઉછેર-સંવર્ધનનું સંસ્કાર ઘડતર થાય તેની ભૂમિકા આપતા કહ્યું કે, શાળાના બાળકો શાળાએ જે વોટર બોટલ લઇ જાય છે તેમાં વધતું પાણી કોઇને કોઇ છોડ કે વૃક્ષમાં રેડી દઇને વૃક્ષ-હરિતક્રાંતિના વિકાસ માટેના સંવાહક બની શકે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતમાં જનભાગીદારીથી વન આવરણ વિસ્તાર વૃધ્ધિ, વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં થયેલ વધારો તેમજ વન ક્ષેત્રે ગુજરાતની સિધ્ધિઓની પણ છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીના હસ્તે આ વેળાએ વન વિસ્તાર બહારના વૃક્ષોની ગણતરીનો ચોથો અહેવાલ તેમજ ગીર ફાઉન્ડેશનના પ્રકાશન કોસ્ટલ ફલોરા ઓફ ગલ્ફ ઓફ કચ્છ ગાઇડનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વન રાજ્ય મંત્રી રમણભાઇ પાટકર, વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, અગ્ર મુખ્ય વનસંરક્ષક કુલદીપ ગોયલ, વન્ય પ્રાણી અગ્ર મુખ્ય વનસંરક્ષક સિન્હા, વિકાસ વ્યવસ્થાના અગ્ર મુખ્ય વનસંરક્ષક અક્ષય સકસેના- તેમજ વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર:
- જનભાગીદારી અને વન વિભાગના સહિયારા પ્રયાસોથી રાજ્યમાં ૧પ વર્ષમાં વન આવરણ વિસ્તારમાં ર૩ ટકાનો વધારો
- ૧૯૯૧માં ૧૧,૯૦૭ ચો.કિ.મી. વન આવરણ હતું તે ૧૪,૬૦૦ ચો.કી.મી. થયું
- ફોરેસ્ટ કવર ૨૦૧૫માં ૧૪,૬૬૦ ચો.કિ.મી.-૨૦૧૭માં ૧૪,૭૫૭ ચોરસ કિલોમીટર – ૯૭૦૦ હેક્ટરનો વધારો
- વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષઆચ્છાદિત વિસ્તાર ભારતમાં ૨.૮૫ ટકા ગુજરાતમાં ૪.૦૯ ટકા
- દેશની એવરેજ કરતાં લગભગ બમણાં વૃક્ષો ગુજરાતમાં ૨૦૧૩ મુજબ ૩૦.૧૪ કરોડ વૃક્ષો – ૧૮.૪૦ વૃક્ષ પ્રતિ હેક્ટર વ્યક્તિદીઠ પાંચ વૃક્ષ – આજે ૩૪.૩૫ કરોડ વૃક્ષો – ૨૦.૩૮ વૃક્ષ પ્રતિ હેક્ટર – વ્યક્તિદીઠ ૫.૬ વૃક્ષો