વિશ્વ અર્થતંત્ર પરિવર્તનના કાંઠે: જ્યોતિષીય સંકેતો અને BRICS શક્તિ -એસ્ટ્રોલોજર સોનલ શુક્લા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

જ્યોતિષીય દ્રષ્ટિએ જોવામાં આવે તો વિશ્વ અર્થતંત્ર હાલમાં એક ઐતિહાસિક પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. જૂની એકાધિકારી, ડોલર આધારિત વૈશ્વિક વ્યવસ્થાની જગ્યાએ હવે બહુધ્રુવીય આર્થિક માળખું વિકસતું દેખાઈ રહ્યું છે. આ પરિવર્તનમાં BRICS સમૂહ—બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા—મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આ સમયગાળાની વિશેષતા એ છે કે શનિ અને રાહુ બંને પોતાના જ નક્ષત્રોના પ્રભાવક્ષેત્રમાં સક્રિય થઈ રહ્યા છે. શનિનો પોતાનાં નક્ષત્રમાં પ્રવેશ વૈશ્વિક સ્તરે નિયમ, શિસ્ત, જવાબદારી અને દીર્ઘકાળીન માળખાની રચનાનો સંકેત આપે છે, જ્યારે રાહુ પરંપરાગત વ્યવસ્થાને તોડી નવી, વૈકલ્પિક અને અસામાન્ય રચનાઓ ઊભી કરે છે. આ શનિ–રાહુ સંયોગ વૈશ્વિક ચલણ અને વેપાર વ્યવસ્થામાં મૂળભૂત ફેરફાર લાવતો યોગ માનવામાં આવે છે.

આ જ્યોતિષીય પ્રભાવ હેઠળ BRICS દેશો સ્થાનિક ચલણમાં વેપાર, વૈકલ્પિક ચુકવણી પ્રણાલીઓ અને ડિજિટલ નાણાંકીય માળખાં તરફ આગળ વધી રહ્યા છે. વર્ષ 2027થી 2029 દરમિયાન આ પરિવર્તન વધુ સ્પષ્ટ બનશે. ખાસ કરીને 2028માં બુધ ગ્રહ સક્રિય થવાથી વેપાર, ચલણ અને નાણાંકીય લેવડદેવડમાં નવી રચનાઓ જોવા મળી શકે છે. આ પ્રક્રિયા વિશ્વને એકધ્રુવીય વ્યવસ્થામાંથી બહુધ્રુવીય આર્થિક માળખાની દિશામાં લઈ જશે.

આ પરિવર્તનકાળમાં સોનું અને ચાંદી વિશેષ મહત્વ ધરાવે છે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં સોનું હંમેશા મૂલ્યના સંરક્ષક તરીકે ઊભરતું આવ્યું છે. BRICS દેશો દ્વારા સોનાના ભંડારમાં વધારો થવો આ જ્યોતિષીય સંકેતને મજબૂત બનાવે છે. બીજી તરફ, ચાંદી ઉદ્યોગ, ટેકનોલોજી અને સામાન્ય જનજીવન સાથે જોડાયેલી હોવાથી 2026થી 2029 દરમિયાન તેની માંગમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.

ભારત માટે આ સમયગાળો મોટા ભાગે શુભ સંકેતો આપે છે. 2026થી 2029 દરમિયાન બુધ અને શનિના અનુકૂળ પ્રભાવ હેઠળ ભારત વૈશ્વિક વેપાર અને ચુકવણી વ્યવસ્થામાં સંતુલનકારક અને સેતુરૂપ ભૂમિકા ભજવી શકે છે. જો કે 2025ના મધ્યથી 2026 દરમિયાન રાહુના પ્રભાવને કારણે ઉતાવળભર્યા નિર્ણયો ટાળવા જરૂરી રહેશે. 2030 પછી ગુરુના આશીર્વાદથી ભારતની વૈશ્વિક વિશ્વસનીયતા અને આર્થિક સ્થિરતા વધુ મજબૂત બનવાની શક્યતા છે.

Share This Article