નવીદિલ્હી : ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તુટી ગયું છે. તેની વર્લ્ડકપની સેમિફાઇનલમાં બુધવારના દિવસે ન્યુઝીલેન્ડ સામે ૧૮ રને હાર થઇ હતી. આ હારથી ચાહકો અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ નિરાશ દેખાઈ રહ્યા છે. ખેલાડીઓએ સોશિયલ મિડિયા ઉપર ભાવનાશીલ સંદેશાઓ લખીને ચાહકોના તુટેલા મન પર મલમપટ્ટી લગાવવાના પ્રયાસ કર્યા છે. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત તમામ ખેલાડીઓએ ઇમોશનલ મેસેજા લખીને ચાહકોને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
તમામે ચાહકોનો આભાર માન્યો છે અને પોતાની ભાવનાઓ રજૂ કરી છે. કોહલીએ ચાહકોને ઇમોશનલ ટ્વિટ કરીને કહ્યું છે કે, તે સૌથી પહેલા પોતાના ચાહકોનો આભાર માને છે જે મોટી સંખ્યામાં સમર્થન માટે પહોંચ્યા હતા. ૭૭ રનની ઇનિંગ્સ રમનાર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ક્રિકેટની રમતે હંમેશા હાર નહીં માનવાની બાબત શીખવાડી છે. રવિન્દ્ર જાડેજાએ લખ્યું છે કે, આ નિરાશા છે પરંતુ ક્રિકેટમાં આ પ્રકારની બાબતો બનતી રહે છે. પોતાની ઇનિંગ્સને મેચ વિનિંગ ઇનિંગ્સમાં ફેરવી શક્યો ન હતો તેના માટે દુખ વ્યક્ત કર્યું છે.
ઇજાગ્રસ્ત થયા બાદ પ્રદેશ પરત ફરેલા શિખર ધવને પણ ટ્વિટ કરીને કહ્યું છે કે, અમે શાનદાર રમત રમી રહ્યા હતા. ફાઈનલમાં પહોંચવા બદલ ન્યુઝીલેન્ડને શુભેચ્છા પાઠવી હતી. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર બુમરાહે કહ્યું છે કે, ટીમમાં તમામ સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પરિવારનો આભાર માને છે. યુજવેન્દ્ર ચહલે કહ્યું છે કે, વર્લ્ડકપ ચેમ્પિયન બનવાનો એક જ ઉદ્દેશ્ય હતો પરંતુ સફળતા હાથ લાગી નથી. ભાવનાઓને શબ્દોમાં રજૂ કરી શકાય તેમ નથી પરંતુ હંમેશા પોતાની ટીમ સાથે રહેલા ચાહકોનો આભાર માને છે.
બીજી બાજુ ન્યુઝીલેન્ડ સામે હાર થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, વિશ્વકપમાં આઈપીએલ સ્ટાઇલથી પ્લેઓફ લાવી શકાય છે. પ્રબળ દાવેદાર ટીમોએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે પરંતુ મેચના દિવસે ખરાબ પ્રદર્શનથી ભારતની વિશ્વકપની આશા પર પાણી ફરી વળ્યું હતું. આઈસીસીને ભવિષ્યમાં નોકઆઉટ તબક્કામાં આઈપીએલ પદ્ધતિથી પ્લેઓફ લાવવા માટે સૂચન કરશે. કોહલીએ કહ્યું હતું કે, ભારતે ૨૪૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પ્રથમ ૪૫ મિનિટમાં જ મેચ ગુમાવી દીધી હતી. આનાથી કરોડો ચાહકોની આશા તુટી ગઈ હતી. ગઇકાલે પત્રકાર પરિષદ કોહલીએ આ મુજબની વાત કરી હતી.