અમદાવાદ: શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક નિયમનની કામગીરી માટે ટ્રાફિક પોલીસ અને અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા અસરકારક ઝુંબેશ ચલાવી રહ્યા છે પરંતુ હજુ કેટલાક વાહનચાલકો અને નાગરિકો ટ્રાફિકના નિયમના પાલનમાં અવગણના કરી રહ્યા હોઇ આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે અમદાવાદ અને રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ કે સીટબેલ્ટ બાંધ્યા વિના ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન ચલાવનાર નાગરિકોને દંડ ફટકારવાને બદલે મહિલા ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા આવા નાગરિકોના હાથમાં રાખડી બાંધવામાં આવી હતી અને તેમની પાસે ટ્રાફિક નિયમનના પાલન માટે સંકલ્પ લેવડાવ્યો હતો.
ખુદ મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા રાખડી બાંધી વાહનચાલક ભાઇને હૃદયસ્પર્શી અનુરોધ કરાતાં ખુદ વાહનચાલકોએ ટ્રાફિક પોલીસના આ નવતર પ્રયોગની પ્રશંસા કરી હતી અને હવેથી ટ્રાફિક નિયમોનું પાલન કરવાના સંકલ્પ પણ લીધા હતા. ટ્રાફિક પોલીસની આજની આ અનોખી ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને લોકોને તેની ભારોભાર પ્રશંસા પણ કરી હતી. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે રક્ષાબંધનનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે વાહનચાલકોની રક્ષા કરવા ટ્રાફિક પોલીસે બે દિવસથી અનોખો નવતર પ્રયોગ શરૂ કર્યો હતો, જેમાં હેલ્મેટ કે બેલ્ટ બાંધ્યા વગર ટુ વ્હીલર કે ફોર વ્હીલર કાર ચલાવનારને દંડને બદલે મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા રાખડી બાંધીને ચાલકની સુરક્ષાની કામના માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
અમદાવાદની માફક રાજકોટમાં પણ આ પ્રકારની અનોખી ઝુંબેશ હાથ ધરાઇ હતી. મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકને રાખડી બાંધી ટ્રાફિક નિયમનના પાલન માટે સંકલ્પ લેવડાવવામાં આવતાં નાગરિકોમાં પણ તેને ભારે સરાહના પ્રાપ્ત થઇ હતી. જાગૃત વાહનચાલકો અને નાગરિકોએ ટ્રાફિક પોલીસના સંકલ્પપત્રને ગ્રહણ કરી હવેથી ટ્રાફિક નિયમનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરમ્યાન અમદાવાદ શહેરમાં ટ્રાફિક પીઆઈ કે. ડી. નકુમે મહિલા વાહનચાલકોને ભેટમાં હેલ્મેટ આપ્યું હતું. તો, મહિલા ટ્રાફિક પોલીસે વાહનચાલકોને રાખડી બાંધી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
સુભાષબ્રિજ, દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર સહિનતા વિસ્તારોમાં મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા રક્ષાબંધનના આજના પવિત્ર પર્વ નિમિતે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા ૫૫૦થી વધુ લોકોને રાખડી બાંધી હતી. ટ્રાફિક પોલીસે લોકોને હેલ્મેટ પહેરવા, સિગ્નલ બંધ હોય ત્યારે વાહન ઊભું રાખવા, સ્પીડમાં વાહન ન હંકારવા સલાહ આપી હતી. ટ્રાફિક પોલીસના આ નવતર પ્રયોગની ચોતરફ પ્રશંસા થઇ હતી.