સારિકાનાં લગ્ન પિયૂષ સાથે થયા તેને ત્રણ મહીના થયા. કોઈપણ નવદંપત્તિ માટે લગ્નનો શરૂઆતનો સમય સ્વપ્નથી ઓછો નથી હોતો, પરંતુ અહીં તો ત્રણ મહીનામાં જ વાત છૂટાછેડા સુધી આવી ગઈ…આવું શેને બન્યુ હશે…! વિધાતાએ તો લવમેરેજ કર્યા છે અને મહીનામાં સામાન પેક કરીને ઘરે આવી ગઈ..હવે રીસાઈને બેસી છે કે વિનય માફી માંગીને લેવા આવશે તો જ જઈશ. શબનમ તો તેનાં સાસરિયામાં બાળપણથી આવ-જા કરતી હતી..તો અચાનક લગ્ન પછી કેમ શોહર, ખાલા અને અન્ય સાસરિયાઓ સાથે એડજસ્ટ થવામાં તકલીફ પડી…!!!
જ્યારે કોઈ દીકરી લગ્ન કરીને જાય છે ત્યારે એક જ દિવસમાં તે દીકરીમાંથી કોઈનાં ઘરની વહુ બની જાય છે. એવુ નથી કે આ દિવસ તેની લાઈફમાં અચાનક સરપ્રાઈઝની જેમ આવી જાય છે. તેને નાનપણથી જ આ વાત માટે તૈયાર કરવામાં આવેલી હોય છે. તે મેન્ટલી પ્રિપેર્ડ હોય છે, તો પછી નવા ઘરમાં એડજસ્ટ થવાની તૈયારી કેમ નથી બતાવી શકતી? માન્યુ કે નવા ઘરનાં લોકોનાં સ્વભાવથી તે બધી રીતે વાકેફ ન હોય પરંતુ શરૂઆત તો કરી શકેને…! તેનાં માટે જરૂરી છે કે દીકરીનું મન સો ટકા સ્વીકારી લે કે હવે આ મારું ઘર છે અને અહીં રહેતા તમામ લોકો મારા પોતાના સગા છે. જો આ પહેલુ સ્ટેપ પાર થઈ જાય તો અન્ય વસ્તુઓ વધુ સરળ બની જતી હોય છે. ત્યારબાદ બીજુ સ્ટેપ ઘરને પોતાનું સમજવાનું…એટલે કે આ ઘર મારું પણ છે. આ ઘરને સજાવવામાં, ઘરને સવારવામાં મારી પણ જવાબદારી બને છે. ફરક માત્ર એટલો છે કે વર્ષોથી આ ઘરને જે લોકો જે રીતે સવારતા આવ્યા છે તે જોઈ લેવુ…શરૂઆતમાં તેમનાં પ્રમાણે જ કરવું પછી ધીમે ધીમે તેમાં તમારી શૈલી ઉમેરવી. જેથી ઘરને કે ઘરમાં રહેતા લોકોને બદલાવ સ્વીકારવામાં તકલીફ ન થાય.
જ્યારે કોઈ લગ્ન થાય છે ત્યારે એવું નથી કે માત્ર પત્નીનાં ભાગે જ બધા એડજસ્ટમેન્ટ આવે છે. પતિ, સાસુ- સસરા અને ઘરનાં તમામ સભ્યોનાં જીવનમાં પણ એક બદલાવ આવે છે. આ બદલાવમાં દરેક વખતે સરળતાથી પાર પડે તેવું જરૂરી નથી હોતું. દરેક નવા સંબંધને સમજવામાં અને સીચવામાં સમય લાગે છે. બધુ સરળ બનીને ગાડી પાટા પર આવી શકે તો આ તમામ નાજૂક સંબંધને દીકરી સ્વેચ્છાએ હેન્ડલ કરે તો…!!!
ઘણીવાર એવુ બનતુ હોય છે કે લગ્નના થોડા દિવસ પછી પણ દીકરી, જે હવે કોઈનાં ઘરની વહુ છે તે પોતાની જાતને જૂના ઘરની દીકરીનાં રોલમાં વધુ રહેવાનું પસંદ કરે છે. તે પોતાના નવા રોલને સરળતાથી સ્વીકારી શકતી નથી. તે માટે તે પિયરીયાની મદદ લે છે. તેમાં પણ ખાસ કરીને માતાની મદદ લે છે. આખી સિચ્યુએશનમાં થાય છે એવું કે માતા દૂર તેના ઘરે બેઠી છે. તેને એક જ દ્રશ્ય દેખાય છે જે તેની દીકરી વર્ણવે છે. તેનાં આધારે માતા તેને સલાહસૂચન આપે છે. માતાનાં આ સલાહસૂચન પાછળ ક્યારેક દીકરીની ચિંતા તો ક્યારેક દીકરીનાં કમ્ફર્ટ ઝોનની સલાહો રહેલી હોય છે. આ સલાહો આપતી વખતે માતા દીકરીનાં સાસરિયાની તમામ પરિસ્થિતિથિ વાકેફ હોતી નથી. દીકરી આ સલાહો, સૂચનો સાંભળીને બ્લાઈન્ડ ફોલો કરે છે…પરિણામે પરિસ્થિતિ વધુ વણસી જાય છે. અહીં ઉદાહરણમાં આપણે માતાનો કિસ્સો લીધો છે પરંતુ હકીકતમાં માતા સિવાય કોઈ પણ પાત્ર હોઈ શકે જે તમારી પરિસ્થિતિમાં તમને સૂચનો આપતું હશે અથવા તો તમે તેની પાસે સૂચનો માગતા હશો. જો આ બાબતો એ્ક બે કિસ્સામાં સફળ થઈ જાય પછી તો દીકરી સ્વનિર્ણય લેવાને બદલે તે ત્રીજી વ્યક્તિ પર જ ડિપેન્ડ થઈ જાય છે. તે અન્યની સલાહ લીધા વગર જાતે કોઈ પણ નિર્ણય લઈ શક્તી નથી.
માતા પિતા કે સ્વજનો આપણને હંમેશા સાચી સલાહ આપે જ. એ સલાહ આપણાં સંસારમાં કેટલા અંશે અને કયા સમયે વાપરવી તે સંપૂર્ણ આપણો નિર્ણય હોવો જોઈએ. ઈન્ટ્રોમાં દર્શાવેલ ત્રણેય કિસ્સામાં આજ પ્રકારની ભૂલો જોવા મળે છે. સારિકા અને પિયૂષનાં કેસમાં સારિકાની માતા ઈચ્છતી હતી કે પિયૂષ તેના ઘરનો માહોલ તે જ રીતે સેટ કરે કે જે રીતે સારિકાને આદત હતી. સારિકાની માતા ફક્ત સારિકાનાં કમ્ફર્ટ ઝોન માટે પિયૂષ અને તેના પરિવારનાં તમામ સભ્યોની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનું દબાણ કરતાં હતા. આ પરિસ્થિતિનું બેસીને કોઈ સમાધાન ન આવતા વાત વણસી હતી. વિધાતાનાં કેસમાં વિધાતા લવમેરેજ કરીને આવી ત્યારે તેણે ફક્ત પતિને જ લવ કર્યો હતો. તેનાં કલ્ચરને, તેની લાઈફ સ્ટાઈલને નહીં. તે આ ઘરમાં આવી તો ગઈ પણ આ ઘરનો હિસ્સો બનવાને બદલે તેનાં પિયરિયાનાં સૂચનોથી નવા ઘરને તેના કલ્ચરમાં ઢાળવાનો હઠાગ્રહ કરવા લાગી. પતિએ સમજાવી કે આપણ વચ્ચેનો રસ્તો કરીએ…ના તારું કલ્ચર….ના મારું કલ્ચર…એક અલગ રીતે આપણી સવલત પ્રમાણેનું ઘર બનાવીએ પરંતુ તેણે પોતાનો હઠાગ્રહ છોડ્યો નહીં…અને પીયરીયાએ પણ તેને એ જીદ પર અડીખમ રહેવાની સલાહ આપી. ત્રીજા કિસ્સામાં શબનમને તેની સગી ખાલાનાં દિકરા સાથે પરણવાનું થયું એટલે તેણે અને તેની માતાએ ભૂતકાળમાં બનેલી ખરાબ ઘટનાઓને યાદ રાખી તેની ખાલા સાથે બદલો લેવા નીતનવા પ્રયત્નો ચાલુ રાખ્યા. શબનમ એ ભૂલી ગઈ કે જે પતી ગયું તે ભૂતકાળ હતુ, પરંતુ આમ કરવાથી મારા ભવિષ્યનું શું….મારા પતિ સાથેની આગળની જીંદગી કેવી જશે તે વિચાર પણ ન કર્યો. મિત્રો અહીં…કોઈ સલાહ સૂચન નથી પણ દરેક દીકરીએ જ નિર્ણય લેવો રહ્યો કે લગ્ન બાદ નવા ઘરની નાની મોટી વસ્તુઓ હેન્ડલ કરવામાં તે પીયરીયાના સપોર્ટ વગર પોતે કેટલી સક્ષમ બની શકે છે.
-પ્રકૃતિ ઠાકર